હું છું દીવો : રવીન્દ્ર પારેખ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, રવીન્દ્ર પારેખ | Comments (3)
.
.
હું છું દીવો -
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.
હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બહાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો.
હું છું દીવો.
હું જાણે એક નૌકા છું ને મારી બહાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો.
હું છું દીવો.
- રવીન્દ્ર પારેખ
,
.
નાનકડો એક દીવો – આખાયે ઓરડામાં અજવાળું ફેલાવતો હોય છે અને કહેતો હોય છે, હું છું દીવો – લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો. તારે તાર થઇ જતી દીવાની વાટ પણ કરે છે, અજવાળું સીવવાની વાત. અને અંતરમાં જો અજવાળું સીવાઇ ગયું તો તો આપણે પણ દીવડાની જેમ બોલી ઊઠશું – લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.
આપ સૌ વાચકોને વૅબમહેફિલ તરફથી દિપાવલીની હાર્દિક શુભકામનાઓ.
.
.
.
.
Pinki @ October 26, 2011
ગીત : અંકિત ત્રિવેદી
Posted in: સાહિત્યકાર, અંકિત ત્રિવેદી, સાહિત્યપ્રકાર, ગીત | Comments (3)
.
.
એક છોકરો સૂતો સૂતો તારા માટે વેઇટ કરે છે,
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેઇટ કરે છે.
આગળ પાછળ તારી એ, આખો દી ફરતો રાઉન્ડ રે,
એના આખા જીવનનું તું લાગે છે કમ્પાઉન્ડ રે;
ક્યારેક આવી ખોલે છે તું, કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો ગેઇટ કરે છે,
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેઇટ કરે છે.
ધીમે ધીમે પડશે સમજણ, કેવી છે આ થીમ,
ધોધમાર તો પછી વરસવું,પહેલા તો રીમઝીમ;
તારા માટે તડપે છે એ, નાહકનો એને તું હુ ઇઝ ધેટ કરે છે,
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેઇટ કરે છે.
- અંકિત ત્રિવેદી
.
.
માર્ચ ૯, ર૦૦૯નાં રોજ અંકિત ત્રિવેદીને વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી આપણે સૌએ ગીતપૂર્વક જન્મદિનની શુભેચ્છાઓ આપેલી. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૧ રવિવારનાં રોજ અંકિતના ગીતસંગ્રહ ‘ગીતપૂર્વક’નું વિમોચન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે યોજવામાં આવેલું.
.
.
અંકિત ત્રિવેદીને ગીતપૂર્વક - પુસ્તક ‘ગીતપૂર્વક’ માટે વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી અભિનંદન.
.
.
.
.
Pinki @ September 27, 2011
વિગત : કીર્તિકાંત પુરોહિત
Posted in: સાહિત્યકાર, કીર્તિકાન્ત પુરોહિત, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (6)
.
ઈશ્વરે ખુદ લખી છે વિગત ડાયરીમાં,
છળ કરે આચરણ સત્યનું માનવીમાં.
ભરજુવાની પવન લૂંટતો’તો કળીની,
ક્રોધથી નસ ઉપસતી રહી પાંદડીમાં.
શબ્દને લય, વજન, છંદનું દાપું દઈને,
પોંખવી છે ગઝલ, સૂરની પાલખીમાં.
માનવી જાત છે જાનવરની કહીને,
માનવી માનવીથી ડરે ખાનગીમાં.
ખુદને જો ખુદની જોઇએ કોઈ ઓળખ,
જાતને ડુબાડવી યે પડે આરસીમાં.
‘કીર્તિ’ – ના ધૂળ સમજો, ન માથે ચઢાવો,
એક વીંટી સમી જાળવો આંગળીમાં.
- કીર્તિકાંત પુરોહિત
.
.
ઈશ્વરની ડાયરીની વિગતો જાણવાનું કોને ન ગમે ? કીર્તિઅંકલ પણ એવી જ કઈક વાત કરે છે. તો પાંદડીમાં ઉપસેલી નસો નું કલ્પન અનેરું છે.
.
.
.
.
Pinki @ September 24, 2011
લે, તરસને સાચવી : ગુંજન ગાંધી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગુંજન ગાંધી | Comments (4)
.
લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?
બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?
દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?
વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.
પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !
- ગુંજન ગાંધી
.
.
ગુંજનભાઈ ટૂંકી બહરમાં - એટલે કે, ટૂંકમાં ઘણાં રામબાણ ઉપાય કહી ગયાં . અને કશું યાદ ન રહે કે, ન સૂઝે તો – દીવાલ એટલે કે, આપણાં જ હઠાગ્રહો મૂકી , ખુલ્લે બારણે હઠાગ્રહોની બહાર નીકળી જવું સારું. કારણ દીવાલ ક્યારેય બારણા જેવી સરળ નથી હોતી.
.
.
.
.
Pinki @ September 21, 2011
સ્વયં : અશરફ ડબાવાલા
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યકાર, અશરફ ડબાવાલા, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (2)
.
છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં,
હું છું, એ એના ભાસનો આધાર છે સ્વયં.
આ શૂન્યતાને શબ્દમાં ઢાળ્યા કરો છો શું ?
એને ઘડી રહ્યા છો જે આકાર છે સ્વયં.
વચમાં છું દ્વિધામાં કે હું કોના તરફ વળું,
એ પાર તારો સાદ ને આ પાર છે સ્વયં.
મનમાંથી મન તો અમને ફંગોળે મનન સુધી,
એને કહો એ શું કે જે સરકાર છે સ્વયં.
અશરફ, તમારા હાથમાં શોભે છે એ કમળ;
જે આખાય સરોવરનો પણ શણગાર છે સ્વયં.
- અશરફ ડબાવાલા
.
.
‘ અહમ્ બ્રહ્માસ્મિ’ નો નાદ ગૂંજવા લાગે ત્યારે સ્વયંને ‘સ્વયં’ થી અલગ કેમ કરી શકાય ? આપણું હોવાપણું જ તો ઈશ્વરનાં હોવાપણુંનો આધાર છે.
.
.
.
.
Pinki @ September 20, 2011
કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રતિલાલ ‘અનિલ’ | Comments (2)
.
સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ.
બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ.
એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ.
આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ.
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ.
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ.
પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે,
આળ જેવું કૈંક ચડવું જોઇએ.
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ.
– રતિલાલ ‘અનિલ’
.
.
જાતની સાથે ઝઘડવું એટલે, આત્મચિંતન. જો તટસ્થપણે મનોમંથન કરીએ તો, આત્મચ્છિદ્ર મળી જ આવે એટલે કે, આપણું જ કોઇ કડવું સત્ય જડી જાય. ભીનાં ને ભીનાં સડવું એનાં કરતાં તો આત્મપ્રકાશનાં તાપમાં પોતાનાં દોષને દૂર કરવો તે વધુ સારું. કારણ, આખરે આપણે તો માનવ – ઈશ્વર નિરાકારી નિર્ગુણ સ્વરુપે છે પણ આપણે તો આપણી જાતને ઘડવી જ પડે.
.
.
.
.
Pinki @ September 19, 2011



