જિંદગીની વ્યસ્તતા અને અસ્તવ્યસ્તતા થીજાવી દેતી હોય છે આપણી લાગણીઓને અને ત્યારે એ લાગણીઓને રજૂ કરવા ઈશ્વર ખુદ કલમ બની પ્રગટે છે કાવ્ય, ગઝલ કે ગદ્ય સ્વરૂપે.

કવિશ્રી મૂકેશ જોશી કહે છે,
“એકલતાએ પીછો કીધો, અમે કલમ લઈને નાઠા,
સીધા કાગળજીના ઘરમાં
ઘરમાં પગ મૂકતાંની સાથે જ કોઈ બોલ્યું,
આવો, ઈશ્વરના અવસરમાં. “

અને સાચે જ આજે મનુષ્ય અતિવ્યસ્ત જીવનમાં પણ અંદરથી તો છે સાવ એકલો અને આ એકલતા દૂર કરવા પણ હવે તે પહોંચી જાય છે ‘કોમ્પ્યુટર’ના દરબારમાં. આ ૧૪”નો સ્ક્રીન આપણા મનોજગત પર પોતાની જાળ (web) બિછાવીને બેઠું છે ત્યારે દેશ-વિદેશમાં વસતા આપણા ગુજરાતી સાહિત્ય રસિકો પણ surfing કરતાં કરતાં ગુજરાતી સાહિત્યને કેમ ના માણે ? માઉસની એક ક્લિકે જો દુનિયાભરના ખબર જાણી શકતા હોઈએ તો આપણા સાહિત્યની અમર કૃતિઓ શા માટે નહિં ? અને આવા જ કંઈક વિચારથી શરૂ કરી છે આ “વૅબ” વિશ્વમાં ગુજરાતી ગીત-ગઝલની એક “મહેફિલ”.

મોનીટરના કાગળ પર, કીબૉર્ડની કલમે, લાગણીની શાહીથી લખાયેલાં આપણા ગુજરાતી સાહિત્યના વારસાને માણવા અને જાળવવા જમાવીશું વૅબમહેફિલ….?!!