વરસાદની ગઝલ : રઈશ મનીઆર

જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી  પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

એ નથી વન્ટોળનો, ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

- રઈશ મનીઆર

વરસાદી માહોલ હોય અને ભીંજાવાનું મન કોને ન થાય?
પણ જો વાદળો ના વરસે તો ?-  વરસાદી ગઝલમાં તો ભીંજાઈએને ?!!
રઈશભાઈની આ વરસાદી ગઝલમાં, વરસાદનો કેફ એવો ચઢે છે કે, મત્લાના શેરથી તૃણની જેમ આપણે પણ ….. !! અને આ કેફની કેફિયત તો વર્ષા ખુદ શાંત બની સાંભળવામાં તલ્લીન…. તો ‘પાણીદાર’ શબ્દ અને વાદળને સાથે જોડી ધારી જમાવટ થઈ છે. મક્તાનો શેર પણ એટલો ચોટદાર છે કે સાચે જ સન્નાટો છવાય જાય છે દિલોદિમાગ પર.


5 Comments to “વરસાદની ગઝલ : રઈશ મનીઆર”

  1. pragnaju says:

    રઈશની મઝાની ગઝલોમાંની ગઝલ
    વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
    મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

    આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
    કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.
    વાહ્

  2. sunil shah says:

    મત્લાથી મક્તા સુધીની પાણીદાર સફર માણી. મઝા આવી ગઈ.

  3. એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
    સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ
    કોરોકટાક સન્નાટો, વરસાદ પડવાનો અવાજ સાંભળી શકે છે, પણ તે ભીનો થઈ શકતો નથી.હ્રદયની વ્યથાને ખુબ સરસ રીતે ઘાટ આપ્યો છે રઈશભાઈ.

  4. રઈશભાઈની આ ગઝલ મેં પણ પહેલીવાર જ વાંચી અને નખશિખ ભીંજાવા જેવું થયું… તૃણ મદિરાપાન કરીને લથડિયા ખાય એવો આઈડિયા તો સુરતના કવિને જ આવે ને!

    ખૂબ સુંદર ગઝલ… કૃતિના શીર્ષક સાથે અથવા કૃતિના અંતમાં કવિનું નામ લખવાનું રાખો તો?

  5. હિતેશ માખેચા says:

    અમને આપની રચના ખૂબ જ ગમી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME