ચોમાસામાં વનવર્ણન
યુગપ્રવર્તક શ્રીકૃષ્ણની આજે જન્મતિથી અને આપણા સાહિત્યના યુગપ્રવર્તક એવા વીર નર્મદનો જન્મદિવસ. પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે પણ શૌર્યસભર તેમના કાવ્યોએ તેમને
‘વીર નર્મદ’ નામ આપ્યું. પ્રાચીન સાહિત્ય બહુધા ધર્મ અને ભક્તિવિષયક હતું. પરંતુ દલપત પછી નર્મદે નવીન વિષયવસ્તુ, પ્રકાર અને દ્રષ્ટિ અપનાવી પદ્ય તેમજ ગદ્યમાં પણ વિશેષ પદાર્પણ કર્યુ. તેમની ‘મારી હકીકત’ એ તો ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. તેમણે ‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’ પુસ્તક આપી સાહિત્ય ઉપયોગી કાર્ય કર્યું.
’The spectator’ પરથી પ્રેરણા લઈ ‘ડાંડિયો’ નામનું દૈનિકપત્ર પણ શરુ કર્યું. જેની સ્કેન કોપી ચંદ્રકાંત શાહની સાઈટ પર જોઈ શકાશે.
રમેશ પારેખ કહે છે એમ દરેક કવિમાં એક વિરહી યક્ષ રહેલો છે અને ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે” જેવી પ્રેરણાદાયી કાવ્યપંક્તિ કે માભોમનું ઋણ ચૂકવતી ‘જય જય ગરવી ગુજરાત’ ના રચયિતા પણ એમાંથી શાને બાકાત રહે ? વરસાદમાં માણીએ ‘વરસાદમાં વનવર્ણન’ના અંશો
કેવો ઠંડો પવન અતિશે જોરમાં આવતો રે,
આ ! આ આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે,
ઓહો ! કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે,
ઓહો ! આવ્યો ખૂબ તૂટી પડ્યો મેઘ મોટી જ ધારે.
ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે,
ગાજી રેહે ગરજન થકી રાન આખું વળી રે;
વ્યાઘ્રોસિંહો અતિશ તડૂકે, ઝાડ મોટાં પડે રે,
જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી પડે રે.
પહાડે મોરો થનગન કરે શિર ઊંચું લઈને,
આંબાડાળે કરતી ટહુકા ખૂબ કોયલડી તે;
દાદુરો તે સરવર વિષે બોલતા, કૂદતા ને
પીએ તો યે પય પય કરે આકળા ચાતકા તે.
પાણી પાણી સકળ વનની કુંજમાહે મચે ને
પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઈને રે;
કો કો ઠામે ડુંગર પથી ધોધ મોટા પડે રે,
જેમાં રૂડા સૂરજકિરણે રંગ ઝાઝા બને રે.
એને જોતાં અચરત થઈ કાં ન તું ને સ્તવું રે,
ધો ધો ધો ધો મધુર સુણતામ કાં ન લ્હેરે સૂઉં રે.

ખૂબ સુંદર માહિતી
કાવ્ય માણ્યુ
અમે ગોપીપુરામાં રહેતા હતા ત્યારે દાંડીઓ અને દાંડી ઠોકીને જે રીતે બોલતો તે હજુ યાદ છે!અમે તો નર્મદનગરીનાવાસી…નર્મદને કોટી કોટી વંદન્
ં
નર્મદનું આવું જ એક મજાનું વર્ષાકાવ્ય મેં લયસ્તરો પર ત્રણેક અઠવાડિયાથી ડ્રાફ્ટ કરી રાખ્યું છે પણ સંજોગોવશાત એ હજી પ્રકાશિત કરી શકાયું નથી… રાહ જુઓ, પિંકીબેન! નર્મદના આ ધો ધો ધો ધો વરસાદથી લયસ્તરો પણ બચી નહીં શકે અને તમે ય ભીંજાવાના…
વરસાદની મજા અને ખાસ તો ખીલી ઉઠતી વનરાઈને મનભરીને માણવી હોય તો ખંડાલા લોનાવાલાની સફર ચોમાસામાં જરૂર કરવી. બંસીનાદ પર એક વખત મેં લખ્યું હતું, ‘ચોમાસાંનું કુદરતી સૌંદર્ય માણવાં ખંડાલા-લોનાવલાં અમે ઘણી વખત જતાં. મારી પ્રાર્થના રહેતી કે ખુબ વરસાદ પડે, નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભ ને ચુમતાં વાદળો મન મુકી ને પોતાને સુંદરતા વિખેરે. અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી અરબી સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી હ્ર્દયમાં સ્થાપી કુદરતને પામવું.’