મહાભારત : એક માથાકૂટ

 

આજે જન્માષ્ટમી ….અને કૃષ્ણ તો સૌ સાહિત્યકારનો પ્રિય કથાનાયક.
લાગે છે કે આપણામાં ક્યાંક તો ગોપીભાવ છુપાયેલો જ છે જે આપણને કૃષ્ણ પ્રત્યે આકર્ષે છે
અને તેની નિકટ રહેવા મજબૂર કરે છે. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણના વ્યક્તિત્વના કે જીવનના
દરેક પાસાને ઉજાગર કરતી ઘણી રચનાઓ થઈ છે. પણ આપણા ‘કૃષ્ણ’ દવે દર વખતની જેમ કંઈક નવી જ વાત લઈને આવે છે. મહાભારતના મહાન પાત્રોની મજબૂરી પર એક વ્યંગાત્મક કાવ્ય……

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. -૧.

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. -૨.

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. -૩.

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. -૪.

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. -૫.

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. -૬.

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. -૭.

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. -૮.

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. -૯.

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. -૧૦.

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. -૧૧.

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. -૧૨.

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. -૧૩.

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. -૧૪.

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. -૧૫.

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. -૧૬.

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. -૧૭.

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. -૧૮.

-કૃષ્ણ દવે

 

 

૧. કૃષ્ણ ૨. ભીષ્મ ૩. ધૃતરાષ્ટ્ર ૪. ગાંધારી ૫. કુંતી ૬. સહદેવ ૭. દ્રૌપદી ૮. ભીમ ૯. કર્ણ
૧૦. અર્જુન ૧૧. એકલવ્ય ૧૨. અભિમન્યુ ૧૩. શકુનિ ૧૪. દ્રોણ ૧૫. દુર્યોધન
૧૬. અશ્વત્થામા ૧૭. યુધિષ્ઠિર ૧૮. વેદવ્યાસ

 


5 Comments to “મહાભારત : એક માથાકૂટ”

  1. Waah kavi Waah…..maza aawi saras gazal ne nawa vicharo…

  2. નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
    કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. -૫.

    કર્ણની કરૂણતા કરતાં કુન્તીની કરૂણતા જરાય ઓછી ન્હોતી એ વાત આપે ખુબ જ કલાત્મક રીતે રજૂ કરી છે.

  3. pragnaju says:

    y સુંદર
    યાદ આવી પ્રવીણભાઈની પંક્તીઓ
    જીવન સમજો છે મરણની માથાકૂટ;
    વન ને રણ,ઘરભીંતો અડધીપડધી.

  4. pragnaju says:

    સુંદર
    યાદ આવી પ્રવીણભાઈની પંક્તીઓ
    જીવન સમજો છે મરણની માથાકૂટ;
    વન ને રણ,ઘરભીંતો અડધીપડધી.

  5. kedar says:

    one of my most most favourite…..
    thanks….
    majaa avi gai

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME