શહેરમાં…..

એક અફવા છે ભયંકર શહેરમાં,
અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં.

શહેર છે કે સરહદી વિસ્તાર છે,
છે પડ્યું પાથર્યું લશ્કર શહેરમાં.

કાગડો વાચાળ બનતો જાય છે,
મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં.

લોકટોળા પર બધું નિર્ભર નથી,
કર્ફ્યુ પણ ઊજવે છે અવસર શહેરમાં.

દેવદરબારે મળી દાનવસભા,
ઊંઘતો ઝડપાયો ઈશ્વર શહેરમાં.

લોક પાડોશીને પણ ના ઓળખે,
એ જ ખૂબી છે બિરાદર શહેરમાં.

રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ,
છે અકસ્માતો ભયંકર શહેરમાં.

-ખલીલ ધનતેજવી

અમદાવાદમાં થયેલાં બૉમ્બ વિસ્ફોટોને એક મહિનો પૂરો થયો. રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈ જવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ પરંતુ જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓને તો બૉમ્બની કરચો હજુ પણ રોજે રોજ ભોંકાતી હશે જ…. અમદાવાદ હજુ સ્વસ્થ નથી થઈ શક્યું કારણ ક્યાંક ને ક્યાંક સમાચારોમાં એવા વિસ્ફોટો થતા જ રહે છે જે ભયભીત બનાવી દે છે કે નાનકડી ચિનગારી ભડકો ના બની બેસે ….? ખલીલ ધનતેજવીના શબ્દોએ અમદાવાદની પરિસ્થિતિનો
આબેહૂબ ચિતાર આપ્યો છે. મૃતકોને હૃદયપૂર્વક એક શબ્દાંજલિ….

 


5 Comments to “શહેરમાં…..”

  1. બોમ્બવિસ્ફોટની ઘટના ભલભલાને હચમચાવી મુકે તેવી હતી. ખલીલ ધનતેજવીની રચના ઘણી ઉત્તમ રહી.

  2. Niraj says:

    સમયસરની ચોટદાર રચના..

  3. sunil shah says:

    ખુબ સંવેદનશીલ રચના.

  4. pragnaju says:

    રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ,
    છે અકસ્માતો ભયંકર શહેરમાં.
    ખલીલ ધનતેજવીની સંવેદનશીલ રચના

  5. Prarthana says:

    દરેક શબ્દો મા સચ્ચાઈ અને વસ્તવિક્તા, સંવેદન અને અનુભુતિ નો સમ્ન્વય્.
    સુન્દર રચના..અભિનન્દન્

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME