કરી દે
મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.
ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.
તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.
એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.
- ગૌરાંગ ઠાકર
મનની બારી ખોલીએ તો અંતરનાં દ્વાર ખૂલે પણ ગૌરાંગભાઈ તો આ અજવાશને, સત્યને પામવા બારીનું દ્વાર કરવાનું કહે છે જેથી ઈશ્વરને પૂર્ણપણે પામી શકે. જૂના ઘરો અને હવેલીઓમાં ટોડલે દીવા કરતા પણ તે તો ભીતરે પ્રગટાવી દીધો હવે થાય તો તું અંધાર કરી દે. ગૌરાંગભાઈને સુનીલભાઈએ વેબમહેફિલની વાત કરી કે તરત જ અતિ ઉમળકાભેર પોતાની ઝાકળ સમ તરોતાજા ગઝલ પોતાના હસ્તાક્ષરમાં મોકલી આપી. ભીતરનો દીવો ઝળહળતો રહે તેવી અભ્યર્થના સહ આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર….
the attachments to this post:



ખૂબ સુંદર ગઝલ…
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.
- આ બે શેર તરત જ સ્પર્શી ગયા…
દિવાલની જગ્યાએ દીવાલ ન હોવું જોઈએ?
સુંદર ગઝલ..
સુંદર ગઝલ
ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.
તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.
વાહ્
ગૌરાંગભાઈની મને ગમતી ગઝલોમાંની એક..આખું વિશ્વ આ ગઝલકારમાં સમાઈ રહ્યું હોવાની ખાતરી ગઝલ વાંચતા થય છે ને..?
ગૌરાંગભાઈ!
પરફેક્ટ ગઝલ નું જો ક્યાંય ઉદાહરણ ટાંકવાનું થાય તો,ક્ષણના ય વિલંબવગર હું આ ગઝલ રજુ કરૂં !
તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.
અભિનંદન….
વાહ .. ખુબ જ સુંદર અને ઊંડી ગઝલ … !! એકેએક શેર લાજવાબ …
મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.
ખુબ જ અર્થસભર. બે પંક્તિઓ કેટકેટલું કહી જાય છે. એક વ્યક્તિગત દિવાલો તોડવાની વાત કહે છે તો બીજી આંતરવિકાસને માટે દિશાસૂચન કરે છે. મજા આવી ગઈ.
સુંદર ગઝલ !
આ શેર ખૂબ ગમ્યો–
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
સરસ ગઝલ. ૨ અને ૬ નંબરના શેર વધુ ગમ્યાં.