મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
સહરામાં સથવારા જેવું,
મૌન, સઘન અંધારા જેવું !
એ જ ક્ષણિક ને એ જ સતત છે,
પાંપણના પલકારા જેવુ !
કોઈ કહે કે સ્થિર-સુસ્થિર છે,
કોઈ કહે જલધારા જેવું !
વીતી ક્ષણ ને તરત સાંભર્યું,
ઉપવન એ ઝબકારા જેવું !
કોને મહુવર જોબન ડોલ્યું,
સપન સાપના ભારા જેવું !
વહે હવે મધવ્હેણ શી મસ્તી,
નાવ નહીં ન કિનારા જેવું !
લો, આંખોની ફળી જાતરા,
મળી ગયું કોઈ મારા જેવું !
- નયના જાની
આપણા વેદ, ઉપનિષદને ગઝલમાં પણ અનેરું સ્થાન મળ્યું છે. આમ તો નાદબ્રહ્મ “ ૐ” એ એક માત્ર ઈશ્વરની આકૃતિ કે શબ્દાકૃતિ. પરંતુ આપણા સાહિત્યમાં આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર પૂર્ણ પણે શબ્દોમાં કરી શકીએ. નયના જાની વિશે કંઈ પણ કહેવું મારા માટે ઘણું જ મુશ્કેલ છે ખૂબ જ મૃદુ, પ્રેમાળ પોતાની ‘મા’ને મળીએ તેવું જ પોતીકાપણું લાગે ….
પરમ તત્ત્વની વાત તેમની રચનામાં સાહજિક છે પણ પાંપણના પલકારા જેવું ક્ષણિક જીવન કે સ્થિર સાથે સુસ્થિર શબ્દ…..તો વળી જલધારાની જેમ ખળખળ સ્થિર એટલે જડ નહિં -તેવો આડકતરો ઉલ્લેખ તેમની કલમની તાકાત બતાવે છે. આપણા ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની રચના માણવી એટલે એક અનેરો આધ્યાત્મિક અનુભવ જ . અને એવું નયના જાનીની રચનામાં પણ…. આ રચનાના કવિયત્રી રાજેન્દ્ર શુક્લનાં અર્ધાંગિની છે અને હાલમાં તેઓ કવિશ્રીની ગઝલનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યાં છે. તેમને મળવું એટલે- ‘લો, આંખોની ફળી જાતરા’

ખુબ સરસ કાવ્ય.
ગહન અર્થને અત્યન્ત સરળ અર્થમા સમજાવી દીધો.
” એ ક્ષણિક ને એ જ સતત છે, પાંપણના પલકારા જેવુ !”
ઋગ્વેદમા ચર્ચાતા બ્રહ્મ્તત્વના સંવાદને ફક્ત બે પન્ક્તિઓમા concized કરી નાખ્યું.
અભિનન્દન્.
એક વસ્તુ તરફ ધ્યાન દોરુ છુ……
કાવ્યના અર્થ્વિસ્તારમા “નાદબ્રહ્મ ‘ઓહમ્’ ” લખ્યુ છે.
“ઓહમ્ ની જગ્યાએ ” અઉમ્” હોવુ જોઇએ.
ૐ નો સન્ધિવિચ્છેદ કરતા તેનુ ત્રણ અક્ષરો ” અ ઉ મ ” એમ વિભાજન થાય છે.
શાસ્ત્રો એ આ ત્રણ અક્ષરોને અનેક મૂર્ત પદાર્થો સાથે સરખાવ્યા છે, જેમ કે ત્રણ દેવો- બ્રહ્મા,વિષ્ણૂ,મહેશ, ત્રણ નાડીઓ- ઇડા,પિંગળા,સુષુમ્ણા શરિરના ત્રણ ભાગો- ઉર્ધ્વ, મધ્ય તથા અધો શરિર્.. આદિ…
બસ બસ્ , બહુ બૉર કર્યા તમને… ઉન્ઘ આવી ગઈ ને….
આભાર કેદાર…
વ્યવહારમાં “ઓહમ” શબ્દ પ્રચલિત હોવાથી તે મુજબ લખ્યું હતું.
અને સહુ કોઈ પોતાનુ નોલેજ શૅર કરી શકે તે માટે તો મળીએ છીએ.
તો વિચાર વિનિમયથી વધુ આનંદ આવશે, ખરું ને ?
એ જ ક્ષણિક ને એ જ સતત છે,
પાંપણના પલકારા જેવુ !
-અદભુત શેર…
સરસ રચના…એટલું જ સરસ પિંકીબેન તમારું રસદર્શન.
ખૂબ સુંદર ગઝલ.
કોઈ કહે કે સ્થિર-સુસ્થિર છે,
કોઈ કહે જલધારા જેવું !
વીતી ક્ષણ ને તરત સાંભર્યું,
ઉપવન એ ઝબકારા જેવું !
અદભુત સરસ ગઝલ