સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬

દોડતાં આવ્યાં અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં.

સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં.

આમ જો કે મૃત્યુથી તો કોઈ દિ’ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયાં.

પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યાં સમયની જિંદગી તાણી ગયાં.

આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
તે છતાં સદ્.ભાગ્ય એ છે કે અમે જીવી ગયાં.

- કિરણ ચૌહાણ

૨૦૦૬માં (તા.૮.૮.૨૦૦૬?) માનવસર્જિત ભૂલને કારણે સુરત આખું પાણીમાં ગરકાવ હતું, ઘરવખરી અને લાશો રસ્તા પર તરતી હતી અને લોકોની યાદો, અરમાન, ડૂબી ગયેલાં….
આપણા વાચકમિત્ર બિમલ દેસાઈની ફરમાઈશ પર આજે કિરણ ચૌહાણની આ ગઝલ તેમના જ હસ્તાક્ષરમાં. મત્લાના શેરથી જ કવિ પોતાની કલમની તાકાત બતાવે છે પણ પૂરની સપાટી ના વધે એટલે આંસુ પણ આંખમાં રોકી લીધેલાં -આ શેર આંખમાં પાણી ના લાવે તો દિલ પર હાથ મૂકીને જોજો કે ક્યાંક હૃદયે ધબકવાનું બંધ તો નથી કરી દીધુંને ? 

 


the attachments to this post:

kiran-chuhan
kiran-chuhan


6 Comments to “સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬”

  1. pragnaju says:

    આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
    તે છતાં સદ્.ભાગ્ય એ છે કે અમે જીવી ગયાં.
    કિરણની સચોટ વાત
    યાદ આવે છે અહીંથી ફીક્ર્ર કરતા અમારી દિકરી યામિનીને ફોન કરેલા-દસ પ્રયત્ન પછી લાગ્યો તો ખબર પડી કે તેઓનો નીચેનો માળ ડૂબી ગયો છે અને તેઓ કુશળ છે અને આવી રીતે કવિતા લખવામાં છે!
    હુરટીને આગ,રેલ અને …શું ગભરાવે?

  2. kedar says:

    “આમ જો કે મૃત્યુથી તો કોઈ દિ’ બીતા નથી,

    દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયાં.”

    શુ લખવુ???? બધુ જ આવી ગયું આ પન્ક્તિ અને કાવ્ય માં
    સમ્વેદના ની હદ પાર થઈ ગઈ.

    આ કાવ્ય વાંચી ને ખ્યાલ આવે કે કવિ બનવું કેટલુ અઘરું છે…

  3. sunil shah says:

    આમ જો કે મૃત્યુથી તો કોઈ દિ’ બીતા નથી,
    દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયાં.

    પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
    આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

    પૂરનો અનુભવ કર્યો હોય એ જ આટલું સચોટ લખી શકે.

  4. સુંદર રચના… કિરણભાઈના મોઢે સાંભળીએ ત્યારે રૂંવાડા ઊભા થયા વિના ન રહે…

  5. Niraj says:

    ખૂબ જ સંવેદનશીલ રચના.. પૂરનો અનુભવ પુરેપુરો શબ્દોમાં ઉતાર્યો છે..

  6. ખુબ સરસ… દિલથી લખેલુ હોય એવુ લગે છે. મને ગમ્યુ.

    કિશન કિરીટભાઈ ચુડાસમા
    computer engineer +
    electronic music production +
    acting

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME