ગીત

 

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

 વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

- સંદીપ ભાટિયા  

 

મૃત્યુ વિશે ઘણું બધું લખાયું છે પણ સંદીપભાઈ આ જ વાતને બહુ ભારેખમ બનાવ્યા વિના સરળ અને સહજ રીતે કહી દે છે. ગીતામાં લખેલા બધાં શ્લોકો યાદ આવી જાય છતાં પણ તે પણ એટલું જ સત્ય છે કે શું માણસ જેવો માણસ ધુમાડો થઈ જાય તે જેવી તેવી વાત છે ?  એના પડછાયાને બસ એક ફ્રેમમાં કેદ કરી દેવાથી એ હેતાળ સ્પર્શના પડઘા શમી જશે ? ખરે જ સ્તબ્ધ થયેલી રેતશીશીમાંથી સમય પણ જાણે સરતો નથી અને તારીખિયાને પાને સાચે જ સૂરજ અટકી જાય છે.

આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થાય છે તો ગીતની સંવેદનાને વાસ્તવિક જીવનમાં નિભાવવાનો એક પ્રયાસ કરી જોજો. ઓફિસ જવાનું મોડું થાય છે એની ફિકર કર્યા વિના એક નજર દાદા-દાદીના ફોટા પર કરી જોજો અને કાગડાને વાસ નાંખજો જરૂર તેમના વ્હાલ અને આશીર્વાદનો અહેસાસ કરી શકશો. આશિત દેસાઈએ આ ગીતને ખૂબ સુંદર રીતે સ્વરબદ્ધ પણ કર્યું છે .

આજે ઓઝોન દિન પણ ખરો તો માણીશું બીજી એક ગઝલ……..

 

 


4 Comments to “ગીત”

  1. અત્યંત સુંદર ગીત. કાશ..ક્યાંકથી એ સાંભળવા મળી જાય..!

  2. pragnaju says:

    પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ
    તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
    ખૂબ સરસ
    એક શેર યાદ આવ્યો
    કંધાતક નહીં દેતા કોઈ હમારી લાશકો.
    ખુદાકે દરબારમેં ભી ચલતે જાયે ક્યા?

  3. સુમધુર અને સંવેદનાજન્ય ગીત…

  4. નીરવ પંડ્યા says:

    ગળૅ ડુમો ના બાજે તોજ નવાઇ.કોઇ પણ્ સંવેદંશીલ મા્ણસ ને અંદર થી હલાવી નાખે તેવી રચના.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME