ખ્યાલ પણ નથી
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી;
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
- હરીન્દ્ર દવે
‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ ગીત સાંભળ્યું ત્યારથી એક અનન્ય અહોભાવ હરીન્દ્રભાઈ પ્રત્યે…..પછી તો ‘ફૂલ કહે ભમરાને’, ‘રજકણ સૂરજ થવાને શમણે,’ લાં…….બુ લિસ્ટ બની ગયું.
ગુજરાતી સુગમ સંગીતને જો હરીગીતો કહીએ તો પણ સૌ માન્ય રાખે એટલાં ગીત તેમનાં સ્વરબદ્ધ થયાં છે. રાધાકૃષ્ણ અને વરસાદ પ્રત્યે તેમને પક્ષપાત પણ આજે તેમની એક અલગ મિજાજની જ ગઝલ તેમના જન્મદિને…….
તેમનાં ગીતોનો ટહુકો અને રણકાર ……..

શ્રી હરીન્દ્ર દવેની બહુ જ ગમતી ગઝલ !
સુધીર પટેલ.
સરસ ગઝલનાં આ શેરો ખૂબ ગમ્યા
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.