ગઝલ : અનિલ ચાવડા
વાત છે લોહી ઉડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?
બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં,
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
સાવ સૂક્કાં વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે,- પાંદડાંની ?
વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
- અનિલ ચાવડા
આપણી સરકાર આંકડાઓની માયાજાળમાંથી બહાર જ નથી આવી શકતી અને એક સીધો સાદો પ્રશ્વ આપણા સૌનાં મનમાં થાય છે જે અનિલ બખૂબી પેશ કરે છે. તો મ્હોરેલી વસંત પણ આપણા મનમાં વ્યાપેલી નિરાશારૂપી પાનખરને દૂર નથી કરી શકતી ત્યારે અનિલ પૂછે છે, પાંદડાંની વાત કરે છે અને તે પણ સૂક્કાં વૃક્ષ જેવું મોં કરીને….., પાંદડાંની ?!! બીજીવાર પાંદડાંની ? શબ્દ શેરને કેવો ચોટદાર બનાવી જાય છે. એકાકી વૃદ્ધોની એકલતાને દૂર કરવા બસ બાંકડા સિવાય કોઈ આધાર નથી ? આ શેર વાંચીને શું આપણાથી રડવું રોકી શકાય છે ? અને છેલ્લો શેર તો – કાચની શીશીની જેમ હરઘડીએ તૂટતો માણસ જ્યારે સાચે જ ફૂટી જાય છે અને ત્યારે સભા ભરાય છે માત્ર ઢાંકણાંની …. છેલ્લે બેસણાંમાં ગયા ત્યારે આપણે તો ઢાંકણું બનીને ન’તાં ગયાંને ? જેટલાં સરળ એનાં શબ્દો એટલું જ સરળ એનું વ્યક્તિત્વ……અંકિતની જેમ અનિલ પણ શરૂઆતથી જ વેબમહેફિલને મદદ કરી રહ્યો છે. આભાર શબ્દ કદાચ નાનો પડે પણ તો પણ…….આભાર !!

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
અનિલની સુંદર અભિવ્યક્તી
અનિલનો પોતાનો અવાજ રજૂ કરતી ગઝલ! મજા આવી.
સુધીર પટેલ.
વાહ કવિ…વાહ..!
ખુબ સરસ અનિલ
“વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની”
બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં,
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
બહુ જ સરસ.