ઋણી હોય છે ! : સુધીર પટેલ
કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !
જંગલોમાં જઈ તપ કરે એને ક્યાંથી હો ખબર ?
શ્હેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે !
વાત માણસની સરળકોણી થશે, ક્યારેય પણ ?
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે !
હું ય માણસ છું, મને સ્વીકારો સૌ ભૂલો સમેત,
તું ય જાણે છે, કોઈ ક્યાં સર્વગુણી હોય છે !
આવકારો દર્દને હું એટલે આપું “સુધીર”,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે !
- સુધીર પટેલ
આંકડાઓની ગણતરી કરતાં કરતાં સુધીરભાઈ આ જિંદગીનાં ગણિતને પણ કેટલું સરળતાથી ગણે છે ?!! માનવી પ્રકૃતિથી દૂર થતો ગયો છે તે વાત કેવી સુંદર રીતે મત્લાના શેરમાં ઉજાગર કરી છે.
વળી, આ સંસાર છોડી તપશ્ચર્યા કરતાં સાધુને સંસારયજ્ઞમાં ‘જાત” હોમાય એની શી જાણ ? સરળકોણી એક નવો જ શબ્દપ્રયોગ શેરને કેટલો ચોટદાર બનાવી જાય છે. ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ – પણ પોતાની ભૂલસ્વીકાર કરનાર કેટલાં ? બધાંય જાણે છે કે કોઈ ક્યાં સર્વગુણી હોય છે ! અને મક્તાનો શેર તો શ્રેષ્ઠ બન્યો છે વાત ભલે જાણીતી પણ અંદાજે બયાં … બહુત ખૂબ !!
સુધીરભાઈનો નાતો જન્મથી જ ગઝલ સાથે…..તેઓ કલાપીના ગામ લાઠીમાં જન્મેલા અને છેલ્લાં ૧૦ વર્ષથી અમેરિકાસ્થિત છે. પોતે ફાઈનાન્સિયલ ઍનાલિસ્ટ છે. અને હા… આ વૅબમહેફિલના નિયમિત પ્રતિભાવક તરીકે નામ વાંચો છો ને તે જ Sudhir Patel . આમ જ આપની ગઝલ અને પ્રતિભાવ વૅબમહેફિલ અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવતી રહેશે.

કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !
સુદર…સુંદર
a nice gajhal !
આવકારો દર્દને હું એટલે આપું “સુધીર”,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે !
સુધીરના સુંદર શબ્દો!
બાકી હંમણા અહીં ‘ઋણી’-શબ્દની પણ દહેશત લાગે છે!
સુંદર ગઝલ….સુધિરભાઈ લખતા રહો !
આંકડાઓની ગણતરી કરતાં કરતાં સુધીરભાઈ આ જિંદગીનાં ગણિતને પણ કેટલું સરળતાથી ગણે છે ?!!- આ વાક્યે ક્યાંય સુધી બસ વિચારતો જ કરી મૂક્યો. આખી ગઝલમાં ક્યાંય આંકડાની કે ગણતરીની તો વાત જ નથી, પછી? છેલ્લે ‘ફાઈનાન્સિયલ ઍનાલિસ્ટ’ વાંચ્યુ ત્યારે ગડ પડી…
સુંદર ગઝલ… એમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ જ પૉસ્ટ કરી…
સુંદર ગઝલ… અભિનંદન સુધીરભાઈ !