સમય શીખવે છે : મનસુખ નારિયા
અહીં ઊગવાનું સમય શીખવે છે,
અને ડૂબવાનું સમય શીખવે છે.
કદી રક્તમાં છેક પહોંચી જઈને,
કદી છૂપવાનું સમય શીખવે છે.
સંબંધો તમે માંડ જોડી શકો ત્યાં,
ફરી તૂટવાનું સમય શીખવે છે.
બધાં પથ્થર સામસામે ઉગામે,
છતાં પૂજવાનું સમય શીખવે છે.
સફરમાં ન સામાન લેશો અહીં તો,
બધું મૂકવાનું સમય શીખવે છે.
છે જન્મોજનમ બંધનો એ તજીને,
સતત છૂટવાનું સમય શીખવે છે.
કદીયે દિશાઓ અને પંથ વિશે,
નહીં પૂછવાનું સમય શીખવે છે.
યુગો-ને સદી ને ક્ષણોની યે સામે,
કદી ઝૂકવાનું સમય શીખવે છે.
- મનસુખ નારિયા
માધ્યમિક શાળાના આચાર્ય મનસુખભાઈ વિદ્યાર્થીઓને શીખવતા શીખવતા પોતે સમય પાસે કેટલું શીખી લે છે. મત્લાનો જ શેર સનાતન સત્યનું સુંદર વિવરણ સરળ અને સહજ રીતે કરી દે છે. સમયનું બંધન તો સૂર્ય જેવાં સૂર્યને પણ નડે કે ઊગીને આથમી જાય તો આપણે તો ઈન્સાન. સંબંધ જોડીને તૂટવું કે પથ્થર ઉગામવાની વાત સાથે પથ્થરને પૂજવું કે જન્મોજન્મના બંધન તજીને છૂટવું…સચોટ વિરોધાભાસ શબ્દપ્રયોગથી ગઝલ કેટલી ચોટદાર બની છે.

સમય માણસને કૈં કેટલું શીખવી દે છે..મનસુખભાઈની સરળ શબ્દોમાં સરસ–સચોટ અભિવ્યક્તિ. આ સુરતી કવિનો ગઝલ સંગ્રહ ‘રજકણથી રક્તકણમાં’ વાંચવા જેવો છે.
સુંદર ગઝલ !
સુધીર પટેલ.
સરળ અને સહજ ગઝલ…
Enjoyed the poem of relation. After so long time I enjoyed the good poem . congrats to SHRI MANSUKH NARIYA FROM DEEPAJK TRIVEDI.
wow!great thinking about matter of time