કિતાબોમાં : ઉશનસ્

 

કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં:
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.

ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો :
ઊંચી-નીચી અહીં અંકાઇ છે માઝા કિતાબોમાં !

હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્.ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં !

જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવાં કંઇક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં !

અરે આ શબ્દ- જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ – સૂતાં છે કિતાબોમાં !

કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્હાર ઘૂમતો હું
શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમા ?

હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી
- જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?

- ઉશનસ્

૨૮ સપ્ટેમ્બર મારા દીકરાના નટુદાદાનો જન્મદિન. એટલે આપણા કવિ ઉશનસ્ નો.. આ ઉંમરે હજુ પણ યાદદાસ્ત એટલી સારી કે ૪૦ વર્ષે પણ એમના વિદ્યાર્થી એવા મારા મમ્મીને તો ઓળખી જ કાઢ્યા અને ખૂબ બધી વાતો કરી. અને મારા દીકરાને પણ તેમની દોસ્તી ગમી ગઈ એવા સરળ સ્વભાવના.  અમારી ત્રણ પેઢી દાદાના આશીર્વાદ મેળવી શક્યાં એ અમારું અહોભાગ્ય… તેમની તબિયત થોડી નાદુરસ્ત છે તેમના જન્મદિને પ્રભુને પ્રાર્થના કે તેઓ જલ્દી સાજાં થઈ જાય અને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

શબ્દોનો ઈતિહાસ વેદની ઋચાઓથી પયગમ્બર થી મીરાં ને મયખાના ( જામે-ગઝલ ) સુધી રહ્યો, તેણે કૈં તખ્તા પણ પલટ્યાં (જેમ કે દ્રૌપદી) ને છેલ્લો શેર તો ખૂબ મજાનો થયો છે. પરમતત્વને તો બસ મનની આંખો જ જોઈ શકે એમ કહે છે પણ શબ્દોએ તો એ નિરાકારને પણ આકાર આપ્યો છે કિતાબોમાં…..તો ઈતિહાસનો દસ્તાવેજ પણ બની રહ્યો છે કિતાબોનો શબ્દ…..તો ગઝલરૂપે શબ્દ મયથી પણ વધુ કેફી બની તેના નશામાં ચકચૂર કરે છે….આપણી મહેફિલમાં પણ આ ગઝલનો નશો કંઈક ઓર જ નથી ?!!

 

 


3 Comments to “કિતાબોમાં : ઉશનસ્”

  1. નતમસ્તકે નમન અને અભિનંદન !

  2. pragnaju says:

    પૂ.ઉશનસ્ ના ૮૮મા જન્મદિને પ્રભુ પ્રાર્થના કે-
    પશ્યેમ શરદઃ શતં જીવેમ શરદઃ શતમ્|
    શ્રૃણુયામ શરદઃ શતં પ્રબ્રવામ શરદઃ શતમ્||
    તેમના કેટલા કાવ્યગ્રંથોને પ્રસૂન,નેપથ્યે,આર્દ્રા,મનોમુદ્રા,તૃણનો ગ્રહ,સ્પંદ,છંદ, કિંકિણી વગેરેને યાદ કરીએ?
    કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્હાર ઘૂમતો હું
    શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમા ?
    હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી
    - જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?
    ખૂબ સરસ

  3. સુંદર ગઝલ…

    કવિવર મૂળભૂતરીતે સૉનેટ અને ઊર્મિકાવ્યોના કવિ છે અને સમયની રૂખ પ્રમાણે ગઝલના સ્વરૂપ અને અસ્તિત્વને પણ નાણે-પ્રમાણે છે એ એમની વર્સેટિલીટીનું પ્રમાણપત્ર છે…

    આ ગઝલમાં જોકે રદીફ-કાફિયા જળવાયા નથી એ અલગ વાત છે…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME