મુક્તક : ગુણવંત ઠક્કર – ગઝલ : પંકજ વખારિયા
~: મુક્તક :~
*યાત્રીએ જોયા મઝાના તીર્થધામો દોસ્તો
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વર્ષો દોસ્તો
ધર્મના પ્રહરી જ્યાં ખુદને ઈશ્વર અલ્લા માનતા
ત્યાં કોઈ ઈશ્વર અને અલ્લા ન શોધો દોસ્તો
- ગુણવંત ઠક્કર
ઉદાસી જોઈ નથી બસ,ઉમંગ જોઈ ગયાં,
ન જોયો કોઈએ દરિયો,તરંગ જોઈ ગયાં.
સરે છે અર્થ શું સગવડથી કોણ સમજે છે,
ઉજાગરા નથી જોયા,પલંગ જોઈ ગયાં.
હું માનતો રહ્યો આકાશ,એ તો છે પીંજર,
કહે છે એવું જે કોઈ,વિહંગ જોઈ ગયાં.
આ કોણ એમના જેવું જ કાંઠે ચાલ્યાં હશે,
પડેલ રેતમાં પગલાં,તરંગ જોઈ ગયાં.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયાં.
- પંકજ વખારિયા
મિત્રો, અગાઉ આપણે ગનીવર્ષના ઉપક્રમે યોજાયેલ ‘તરહી મુશાયરા’માં ગૌરાંગભાઈ અને સુનિલભાઈની બે ગઝલો માણી. આજે ગુણવંતભાઈનું મુક્તક અને પંકજભાઈની ગઝલ રજૂ કરી ફરી ગનીચાચાને યાદ કરીશું. નાનકડા મુક્તકમાં ગુણવંતભાઈએ બહુ મોટી વાત કહી દીધી છે. હાલના સમય મુજબ પ્રજા પાસેથી જ આ અપેક્ષિત છે કે તેઓ જ ચેતીને ચાલે. સાધુને તો ઉપદેશ કોણ આપે ? સત્ય ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી પણ ચેતવું પણ એટલું જરૂરી જ છે.

પંકજ વખારિયાની આ ગઝલ એ દિવસે મહેફિલની શિરમોર ગઝલોમાંની એક હતી. બધા જ શેર સુંદર થયા છે. આ શેરમાં ‘છે’ આગળ-પાછળ લખાઈ ગયો છે. એ આ પ્રમાણે હોવું ઘટે:
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયાં.
ગુણવંતભાઈનું મુક્તક પણ મજાનું છે.
ધર્મના પ્રહરી જ્યાં ખુદને ઈશ્વર અલ્લા માનતા
ત્યાં કોઈ ઈશ્વર અને અલ્લા ન શોધો દોસ્તો -એકદમ બુધ્ધિગમ્ય સંદેશ.
સરે છે અર્થ શું સગવડથી કોણ સમજે છે,
ઉજાગરા નથી જોયા,પલંગ જોઈ ગયાં.
સુદર શેર..
ઉદાસી જોઈ નથી બસ,ઉમંગ જોઈ ગયાં,
ન જોયો કોઈએ દરિયો,તરંગ જોઈ ગયાં.
સરસ રચના