વચ્ચે : ડૉ.મહેશ રાવલ
પગલાં,પગરવ,અટકળ વચ્ચે
રસ્તો જીવે, બે સ્થળ વચ્ચે
ઊગીને આથમતા સપનાં
કોરા ભીના વાદળ વચ્ચે.
દરિયા જેવો દરિયો નભતો
ઝરણાંઓની ખળખળ વચ્ચે.
ખાલી-ભરચક, ભરચક-ખાલી,
જોયું-જાણ્યું અંજળ વચ્ચે.
શું અજવાળું, શું અંધારું
ખુલ્લંખુલ્લી બે પળ વચ્ચે.
પંખી, માળો, કલરવ ઉછરે,
અસ્તોદયની સાંકળ વચ્ચે.
લીલું-સૂકું હોવું, થાવું
સૂરજ શાખે, ઝાકળ વચ્ચે.
- ડૉ.મહેશ રાવલ
અસ્તોદયની રોજની ઘટમાળમાં ઘટતી હોય છે જીંદગી નામની ઘટના. લીલું-સૂકું, ખાલી-ભરચક, અજવાળું-અંધારું, એ તો બસ ‘ખુલ્લંખુલ્લી બે પળ’નો ખેલ !! બાકી આપણે તો ‘આંખ ખૂલવી’ અને ‘આંખ બંધ થવી’ની વચ્ચે એક પલકારામાં જ જીવવાનું છે-
પંખીની જેમ ટહુકીને, પાનખરમાં પણ ડાળીની જેમ લીલપ જાળવીને. કારણ સપનાં તો ઊગીને આથમી જશે સૂર્યની જેમ કોઈ વાદળનાં ‘ભીનાં’ મૌનમાં, પણ વરસેલું વાદળ કોઈને તો ભીંજવી જ જશેને કે પછી ઝરણું બની ખળખળ વહેશે રણને દરિયો બનાવવા !!

નરસિંહ મહેતાનું ભજન યાદ આવી ગયું.
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
મહેશભાઈ, સુંદર ગઝલ બદલ અભિનંદન!
સુધીર પટેલ.
આખી સુદર ગઝલમા
આ પંક્તીઓ વિશેષ ગમી
પગલાં,પગરવ,અટકળ વચ્ચે
રસ્તો જીવે, બે સ્થળ વચ્ચે
યાદ આવી
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે