નેવાં : મનોજ ખંડેરિયા

 

“આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ;
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.”- મનોજ ખંડેરિયા.

અને સાચે જ,

“ગઝલના થડમાંથી
કોતરણી કરી હોય
એવા એક ચહેરાનો આદમી મનોજ.” (રમેશ પારેખ) ૨૭ ઑકટોબર,૨૦૦૩નાં રોજ કેન્સરના કારણે આ ફાની દુનિયા છોડીને ચાલી ગયાં. જો કે ‘ગઝલ તણી નસનસમાં’ હજુયે ધસમસતા વહી રહ્યા છે તેમના શબ્દો ‘કંકુ અને ચોખા’ બનીને અને ‘શ્રી સવા’ લખી ગુજરાતી ગઝલને શુકનવંતી બનાવી રહ્યા છે. એમણે કહેલું એમ ‘મારો અભાવ મોરની માફક ટહુકશે’ જ પણ બસ, ‘ક્યાંય પણ ગયો નથી’ કહી મન મનાવવું જ રહ્યું. આજે તેમની એક હાઈકુગઝલ…!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

- મનોજ ખંડેરિયા

 

હૃદય પણ ભીંજાઈને નેવાંની જેમ ચૂવે નહીં તો જ નવાઈ ? આકાશનાં નેવાંય મન મૂકી વરસે અને જ્યારે નેવાં સરકવાની વાત કરે છે ત્યારે આપણું મન પણ તેની સાથે સામે ઘેર પહોંચી જાય છે. ફરકવાની ઘટના આંખની પણ બીજું કોણ ‘ફરકી’ જાય છે નેવાં સાથે ? ને અષાઢી રાતના પ્રિયજનનો અભાવ કેવો સાલે કે એ જ નેવાં અંતે આંખમાં ખટકે અને પછી રાતનાં સન્નાટામાં ધબકતું મૌન. કારણ એ એકલતામાં બસ હોય છે તો વરસતો વરસાદ, ટપકતાં નેવાં ને એની સાથે તાલ મેળવતા હૃદયનાં ધબકાર ….!!

 

 


One Comment to “નેવાં : મનોજ ખંડેરિયા”

  1. ‘મારો અભાવ મોરની માફક ટહુકશે’ – ખરે ખર આંખ ભિની શ્રધ્ધાંજલિ.

    શુભ દિપાવલી
    નૂતન વર્ષાભિનંદન.

    શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
    ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન: પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.

    મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો આનંદ આવોજ મળે એવી શુભેચ્છા.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME