માર્ગ માણસ લગ-નો : ગૌરાંગ ઠાકર
આ નગરને એમ વિકસાવો હવે,
માર્ગ માણસ લગ-નો બંધાવો હવે.
સાંકડા રસ્તા ગલી તો ચાલશે,
ઘરમાં ભીંતો મનની તોડાવો હવે.
હાથ-પગ મારે ને ડૂબી જાય કોઈ,
ત્યાં તમારો હાથ લંબાવો હવે.
મૃગજળો નોખાં નગરનાં હોય છે,
આ હરણને કોઈ સમજાવો હવે.
પિંજરું પહેરી ઉભેલા ઝાડને,
ક્યાંકથી ટહુકાઓ સંભળાવો હવે.
- ગૌરાંગ ઠાકર
“લગાગા લગાગામાં ક્યાં છે કવિતા ?
મેં માણસને ચાહ્યો તો ગઝલો બની છે.”
માણસને ચાહવાની- માણસ લગી પહોંચવાની તાલાવેલી ખુમારીપૂર્વક બોલી ઉઠી છે.
“હું સાંકડી ગલીમાં,રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો,આગળ નથી જવાનો.” દિવાળીની પરોઢે જયારે વાંચ્યું કે,ગૌરાંગભાઈનાં હિસ્સાનો સૂરજ અમાસની રાતે પોતાનું અજવાળું પાથરી રહ્યો છે ત્યારે તેમનો જ એક શેર યાદ આવી ગયો. “માણસ પ્હોંચે માણસ લગ, ઉજવી નાંખો એ અવસર.” ને માણસ લગ-નો રસ્તો બનાવવો ભલે કપરો હોય પણ સિવિલ એન્જીનિયર બનાવી ના શકે એવું બને ? તેમનાં શબ્દોએ આજે કેડી કંડારી માણસ લગ પહોંચવાની સફર આદરી દીધી છે.
માણસપણું નિભાવવાની સતત મથામણ સાથે એક માણસ આખું નગર વિકસાવવા નીકળી પડ્યો છે. અમદાવાદને મૅગાસિટી બનાવવા જેવું જ કંઈક !! પણ એમાં સંકડાશ તો મનની જ દૂર કરવાની છે.સતત મોહમાયામાં ડૂબતાં જતાં માણસને હાથ પકડી તરાવવો છે. ઈચ્છાનાં હરણને મૃગજળનાં છળની વાત કરવી છે. તો બિલ્ડીંગનાં પિંજરામાં કેદ થયેલાં વૃક્ષને ટહુકાઓ સાંભળવા મળે તો જ સમગ્ર નગરનો વિકાસ સાધેને ?!! તેમનાં શબ્દોનું નગર વિકસીને માણસ લગી પહોંચવાના રસ્તા માપી રહ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમનાં પુસ્તક “મારા હિસ્સાનો સૂરજ”ને પુરસ્કૃત કર્યું છે તે અવસરે ગૌરાંગભાઈને દિલથી ખોબલે ખોબલે શુભેચ્છાઓ. હા,તેમનાં આ પુસ્તકને સાહિત્યસંગમ, સુરતે પણ સ્વ.મનહરલાલ ચોકસી પારિતોષિક અર્પણ કર્યો છે.

ખુબ જ સુંદર રચના… ગૌરાંગ ભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.
મૃગજળો નોખાં નગરનાં હોય છે,
આ હરણને કોઈ સમજાવો હવે.
પિંજરું પહેરી ઉભેલા ઝાડને,
ક્યાંકથી ટહુકાઓ સંભળાવો હવે.
સરસ પંક્તીઓ
અભિનંદન અને શુભેચ્છાઓ
સુંદર ગઝલ!
અભિનંદન,ગૌરાંગભાઇને!
સુધીર પટેલ.
ગૌરાંગભાઈને હાર્દિક અભિનંદન…
મૃગજળો નોખાં નગરનાં હોય છે,
આ હરણને કોઈ સમજાવો હવે.
-અદભુત શેર… વાહ !