ઝળઝળિયાં : રમેશ પારેખ
નાનપણમાં બોર વીણવા જતાં,
ખિસ્સામાંથી બોરની ઢગલીઓ કરી અમે ભાગ પાડતાં.
આ ભાગ દીપુનો, આ ભાગ ટીકુનો, આ ભાગ -
ભનિયાનો, આ ભાગ ધનિયાનો.
અને પછી એક વધારાની ઢગલી કરી અમે કહેતાં;
આ ભાગ ભગવાનનો.
અને ભગવાનની ઢગલી રાખીને,
બાકીનો ભાગ અમે અમારા ખિસ્સામાં ભરતા
અને રમવા ચાલી જતાં.
ભગવાન રાત્રે છાનામાના આવી
પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે માનતાં.
પછી અમે મોટા થયાં.
બે હાથે ખૂબ ભેગું કર્યું.
ભાગ પડ્યાં – ઘરનાં, ઘરવખરીનાં.
ને ભગવાનનો ભાગ પાડ્યો
ઓચિંતા ગઈકાલે અચાનક ભગવાન આવ્યાં.
કહે : લાવ, મારો ભાગ….
પાનખરની બે ડાળી જેવા મેં મારા હાથ જોયાં – ઉજ્જડ.
એક સૂકું તરણું પણ નહીં,
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં તે
અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને !
- રમેશ પારેખ
બચપણમાં ભગવાનનો ભાગ પાડતાં પણ મોટાં થઈ ભાગલા પાડવામાં ભગવાનનો ભાગ પાડવાનો જ ભૂલી જઈએ, પણ એ થોડો ભૂલે ? છેલ્લે આવીને ઊભો જ રહ્યો, આપણાં ઝળઝળિયાંમાં ભાગ પડાવવા…?!!

કેટલી સત્ય હકિકત કહી..!! અને એય સાવ સાચી વાત ..કે ઝળઝળીયાં માં ભાગ પડાવવા ભાગ્યે જ કોઇ આવે તો આવે… પણ ‘એ’ તો જરુર આવવાના જ..!! રચના ર.પા ની હોય તો કહેવું જ શું..! પિંકીબેન,પ્લીઝ , ર્.પા ની વધુ ને વધુ રચના આપતા રહેશો. અભાર.
ર.પાની રચનાઓ વારંવાર માણીએ તો પણ મઝા આવે
અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને !
પંક્તી વાંચતા જ એક કસક અનુભવાય
પાનખરની બે ડાળી જેવા મેં મારા હાથ જોયાં – ઉજ્જડ.
એક સૂકું તરણું પણ નહીં,
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં તે
અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને !
સારું છે ભગવાન પાનખરમાં પૂછવા આવ્યાં એટલે એમ પણ કહેવાયું કે શેના ભાગ પાડું. આપણે તો માણસ તરીકે એટલા સ્વાર્થી થતાં જઈએ છીએ કે ભર વસંતમાં આવે તો પણ કહીએ કે કશું નથી … શું આપું તમને … એટલે પછી ભગવાન આપણને પાનખરે ઝળઝળિયાં જ આપે ને …
રમેશ પારેખની રજૂઆત અનેરી જ હોય. મઝા આવી .. થેંક યુ પીન્કીબેન
સાચ્ચે જ બચપણ એટલુ નિર્દોષ હોય છે….
એટલુ નિર્દોષ કે બચપણ અને ભગવાન ને આલગ ના કરી શકાય.
આ કાવ્ય નો પહેલો ભાગ બચપણની યાદ અપાવી ગયો…
કહો કે ભગવાનની ઝલક…
આભાર.