કોણ ઊભું હશે? : યામિની વ્યાસ
ગાઢ અંધારમાં કોણ ઊભું હશે ?
એ નિરાકારમાં કોણ ઊભું હશે !
તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં,
આર ને પારમાં કોણ ઊભું હશે !
બૂમ પાડ્યા કરે છે નિરંતર મને,
સાવ સૂનકારમાં કોણ ઊભું હશે !
નાવ જાણે કે મળવા અધીરી થઈ,
દૂર મઝધારમાં કોણ ઊભું હશે !
આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું,
બંધ એ દ્વારમાં કોણ ઊભું હશે !
- યામિની વ્યાસ
પરમ તત્ત્વ પ્રત્યેની બાળસહજ નિર્દોષતા,કુતૂહુલતા અને મુગ્ધતાસભર આ ગઝલ મનને ના સ્પર્શે તો જ આશ્ચર્ય ? સદીઓથી મનમાં વંટોળે ચઢતા આ પ્રશ્નને કેટલી નિર્દોષતાથી પૂછવામાં આવ્યો છે.યામિનીબેન આપણા નિયમિત વાચક પ્રજ્ઞાઆંટીના પુત્રી છે અને સુરત ખાતે રહે છે જેઓ સંચાલનક્ષેત્રે અને નાટ્યક્ષેત્રે પણ કાર્યરત છે.

Khub saras abhivyakti….
નાવ જાણે કે મળવા અધીરી થઈ,
દૂર મઝધારમાં કોણ ઊભું હશે
Real good thought…
યાદ છે-યામિનીએ મુશાયરામાં આ ગઝલ રજુ કરી હતી . આ પંક્તીઓ -
નાવ જાણે કે મળવા અધીરી થઈ,
દૂર મઝધારમાં કોણ ઊભું હશે !
ની રજુઆત વખતે એક બુઝ્રર્ગ શાયરે કહ્યું હતું
બેટી, ફીરસે પઢો અને આ જ પંક્તી પર વાહ વાહ્ કહી દાદ આપી હતી.
મારું મન વિચારે ચઢે છે…
નાવ જડ છે એ તો અણુ-પરમાણુ રૂપે છે. તે પરમાણુ ભેગા થઇને અણુ થાય છે. અણુ ભેગા થઇને સ્કંધ થાય છે. પણ એ ચોખ્ખું જડ કહેવાય.. હવે એવા બે આ,આત્મા તો આનો આ જે સત્ય છે તે અને જડ પરમાણુ બે ભેગા થવાથી, વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. પોતાના ગુણ ધર્મને બન્ને વસ્તુ છોડતા નથી. વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. એને વ્યતિરેક ગુણો કહેવાય. એ ક્રોધ-માન-માયા-લોભ થાય છે. અને ત્યાંથી અહંકારની શરૂઆત થાય છે,જડ નાવને મઝધારમાં ચેતનનો અણસાર થાય છે.
અહીં સુંદરકાંડનો નાવિક કેવટનો પ્રસંગ યાદ આવે છે. રામને જ્યારે સરયૂ નદી પાર કરવાનો વખત આવે છે ત્યારે કેવટ પગ ધોવાની જીદ કરે છે. રામ પગ ધોવા દેવાના મતના નથી પણ કેવટ મક્કમ છે. રામના સ્પર્શથી જડ પણ ચેતન બની જાય એ સંદર્ભ લઈને વિચારીએ તો લાગે છે જડ-ચેતન સર્વની ગતી પરમ તરફ જ છે!
સુંદર ગઝલ…
દસ દિવસના વેકેશન પછી મહેફિલની ગલી-કૂંચીઓમાં ફરવાની મજા આવી. લાંબા વખતે ઘરે પાછો આવ્યો હોઉં એવી અનુભૂતિ થઈ. સાઈટ પર કવિતાઓનું ધોરણ અને કવિતાનો ટૂંકો પરિચય બંને ધ્યાનાર્હ બની રહે છે. હાર્દિક અભિનંદન, પિન્કીબેન… ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
ખુબ સરસ..દિલીપ ઘાસવાલા..
Thank you very much……to you all…yamini
Yaminiben, thanks and warm welcome to WebMehfiL