ધૂળિયે મારગ : મકરન્દ દવે

 

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

- મકરન્દ દવે

સાંઈ કવિ શ્રી મકરન્દ દવેની આજે જન્મતિથિ. તેમની અનેક પ્રિય રચનાઓમાંથી એક રચના. સાવ સાદી સીધી વાતને ગળે ઊતરી જાય એવી સરળ- સીધી દિલમાં જ સ્પર્શે. 

 

 


4 Comments to “ધૂળિયે મારગ : મકરન્દ દવે”

  1. nilam doshi says:

    સ્કૂલમાં દસમા ધોરણમાં આ કાવ્ય ભણાવતી હતી એ સુન્દર દિવસોની યાદ ફરી જીવંત થઇ ગઇ. આભાર…

  2. pragnaju says:

    ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
    વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
    અણસાર પામેલાની અમર વાણી
    તેમના જ શબ્દોમાં કહીએ તો…
    પ્રજાપતિ બ્રહ્મા આંખો ખોલે છે, સંકલ્પ કરે છે ને સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સંકલ્પમાત્રથી કાંઈ સૃષ્ટિ ઉત્પન્ન થતી હશે ? પણ આપણે રોજ સંકલ્પોની દુનિયા ઊભી તો કરીએ છીએ; ફેર એટલો છે કે બ્રહ્મા આંખો ઉઘાડે છે ત્યારે સૃષ્ટિ આકાર ધરે છે, આપણે આંખો મીંચીએ છીએ ત્યારે બ્રહ્મા બનીએ છીએ. પુરાણકથા જાગૃતિ અને સ્વપ્ન વચ્ચે રહેલી અતૂટ દીવાલ તોડી નાખવા માગે છે. મનુષ્યની કરુણતા કેટલી બધી છે કે તે જાગ્રત રીતે પોતાના અંતર-નિવાસમાં નથી જઈ શકતો. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિને જે નિત્ય જાણે છે તેની સાથે તાર જોડ્યા વિના આ પરાધીનતા કદી ટળે એમ નથી.

  3. Pravin Shah says:

    મકરંદ દવેનું સુંદર ગીત !
    સ્કૂલના દિવસો યાદ આવ્યા.

  4. મારું પ્રિય ગીત… ‘નોટ ને સિક્કા નાંખ નદીમાં અને ઉપરવાળી બેંક’ તો પહેલીવાર બાળપણમાં વાંચ્યું ત્યારથી કદી ભૂલાયું જ નથી…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME