ગઝલ : ભગવતીકુમાર શર્મા
ઉદાસી દિવસ-રાત કોઠે પડી છે ;
તિરાડો ઘણી ઘરની ભીંતે પડી છે.
પરિસ્થિતિ આ રીતે થાળે પડી છે;
ગલીમાં ખુશી ઊંધે માથે પડી છે!
વિધાતાની પગલીનો નકશો તો ન્યારો,
કરચલીઓ ઊંડી કપાળે પડી છે!
ગયું વરસી વાદળ ને સૂરજ ઝળુંબ્યો;
કે મોતીની માળાઓ તડકે પડી છે.
એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;
હયાતી મરણને ભરોસે પડી છે.
- ભગવતીકુમાર શર્મા
સમય જતાં ઘરની ભીંતોમાં પડેલી તિરાડો કરતાંયે મનમાં,સંબંધમાં તિરાડો વધુ ઊંડી અને પહોળી પડતી જતી હોય છે. તો શરીરરૂપી ઘર પણ સમયની ઝાપટો કેટલી ખાઈ શકે છે ? અને દરેક સ્થિતિ અંતે ઉદાસીમાં પરિણમે છે. પરિસ્થિતિ થાળે પાડવા કમને સમાધાન કરવું પડે છે ખુશી ગુમાવીને. પણ આ તારું, આ મારું છોડી જો આપણુંની ભાવના સર્જી સમાધાન કરીએ તો ? વૃદ્ધત્વની કરચલીઓ એ તો વિધાતાએ જીંદગીમાં પાડેલાં તેનાં પગલાંની નિશાની છે, એમ કહી ઈશ્વરની એકહથ્થુ સાર્વત્રિક સત્તાનો સ્વીકાર કરે છે. તો અસ્તિત્વ છે તેનો નાશ છે જ અને આથી જ તો મારો, તમારો નહીં હયાતીનો ઉદ્ધાર કરી દે. અને આમ પણ હયાત તો બસ પરમચેતનરૂપ આત્મા જ રહે તો આત્માનો જ ઉદ્ધાર ઈચ્છીએ જેથી જન્મોજન્મનાં બંધનમાંથી મુક્તિ મળે .

એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;
હયાતી મરણને ભરોસે પડી છે.
જેમના ભજનો-કાવ્યો પરમની કૃપાથી લખાય છે તેના ભાવની મઝાની સમજુતી
આવા હયાતીના પૂરાવાની એક વાત યાદ આવે છે.
અહીંના ડોકટરે યોગાનંદની આગળ પોતાની યોગમાર્ગની અશ્રદ્ધા વ્યક્ત કરી ને ચક્રો તથા કુંડલિની બધું ખોટું છે એવું કહી બતાવીને પોતે કરેલા પ્રયોગોનો ઈતિહાસ કહી સંભળાવ્યો.
યોગાનંદે કહ્યું,‘યોગના ગ્રંથોની વાતો ખોટી નથી, પરંતુ તમારી પ્રયોગ કરવાની પદ્ધતિ ખોટી છે. તેથી જ તમને નિરાશા થઈ છે. જો યોગ્ય માર્ગદર્શન મેળવીને સાચી દિશામાં પ્રયાસ કરો તો ગ્રંથોમાં કહેલા અનુભવો તમને જરૂર થઈ શકે. કુંડલિની, ચક્ર ને આત્મા સુક્ષ્મ પદાર્થો હોવાથી, હજારો મડદાંને ચીરશો તો પણ નહિ જોઈ શકો. એમના અનુભવ માટે તો અંદરની સાધનાનો આધાર લેવો પડશે.’
યોગાનંદે ડોક્ટરની ઈચ્છા પ્રમાણે એમને યોગની દીક્ષા આપી ને સાધનાનો ક્રમ બતાવ્યો. એ સાધનાના પરિણામરૂપે એ લાંબે વખતે કુંડલિની ને ચક્રોનો અનુભવ કરી શક્યા. ત્યારે એમને સમજાયું કે બધી વાતો સાચી છે.
પછી તો એમણે કુંડલિની પર પોતાના અનુભવના આધાર પર એક પુસ્તક લખ્યું ‘ધી સરપન્ટ પાવર.’
સાધના કે યોગની શાસ્ત્રીય વાતોને કોઈ પણ જાતના વ્યક્તિગત અનુભવ કે એ અનુભવ માટેના અખંડ અભ્યાસ વિના મિથ્યા માનનાર કે મનાવનાર માણસો આ પ્રસંગમાંથી કાંઈ ધડો લેશે ખરા ?
મુ. શ્રી ભગવતીકુમાર શર્માની સુંદર ગઝલ!
ગઝલની એટલી જ સચોટ સમજૂતી માટે પીંકીબેનને પણ અભિનંદન!
સુધીર પટેલ.
સુંદર ગઝલ. સાદ્યંત સુંદર વિશ્લેષણ….
ભગવતીકાકાની ઉદાસીના વિષય પર લખાયેલી આ ગઝલ કદાચ એમની જ બહુપ્રતિષ્ઠ ગઝલનો ભાગ-2 હોઈ શકે:
(એ જ છંદ, એ જ રદીફ અને એ જ કાફિયા!!)
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે.
http://layastaro.com/?p=324
તો કરચલીવાળો શેર વાંચી એમનો જ એવો એક બીજો શેર યાદ આવી ગયો:
સમયના શરીરે કરચલીનું જાળું,
હજો હોકલી સમ આ ઘડપણ હૂંફાળું !