એક રાજા હતો… અરવિંદ ભટ્ટ

 

વાત વર્ષોની જર્જર પુરાણી હતી, એક રાજા હતો,એક રાણી હતી
સાવ ઈતિહાસથી યે અજાણી હતી, એક રાજા હતો, એક રાણી હતી.

મેં અમસ્થી લખેલી કથાનાં સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી? એક રાજા હતો, એક રાણી હતી.

એક અવસ્થા હતી, ફૂલકન્યા હતી, તીરની સાથે છોડેલ ચિટ્ટી હતી
ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો, એક રાણી હતી.

કે, ઝઝુમ્યું હતું કોણ છેવટ સુધી શેર માટીના સપનાની સામે સતત,
કોની વંશાવલી ધૂળધાણી હતી ? એક રાજા હતો, એક રાણી હતી.

શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈને વિતાવ્યા હતા,
તો ય વરદાન જેવી જ વાણી હતી, એક રાજા હતો, એક રાણી હતી.

- અરવિંદ ભટ્ટ

 

સર્વકાલીન વાર્તા ….!! એક રાજા હતો, એક રાણી હતી. ઈતિહાસને યાદ કરો કે શૈશવને- ન ભૂલી શકાય એવી વાત. આજે અનેક અર્થચ્છાયા ધરાવતી આ ગઝલનો રસાસ્વાદ વાચકો તરફથી. મારો પ્રતિભાવ પણ ખરો પણ આવતીકાલે.

 

 


4 Comments to “એક રાજા હતો… અરવિંદ ભટ્ટ”

  1. pragnaju says:

    શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈને વિતાવ્યા હતા,
    તો ય વરદાન જેવી જ વાણી હતી, એક રાજા હતો, એક રાણી હતી.
    એક રાજા-રાણીની વાત-એજ ઈતિહાસ- પ્રિયજનને તરછોડવાનો હક્ક બને છે ને?
    બસ, પૂર્ણ પરિપકવ પ્રેમની આ જ લાક્ષણિકતા છે. એ ક્રોધ, હતાશા, ઈર્ષા. વેદના, તડપ, તલસાટ, ઉન્માદ, આકાંક્ષા… બઘું જ આપે છે- પણ એક ચીજ ન આપી શકેઃ નફરત! જેને હૃદયના સાતમા પાતાળથી ચાહ્યું હોય, એના માટે ધિક્કારની સરવાણી ન ફૂટી શકે. અને એ જ તો સામી વ્યકિતને અકથ્ય પશ્ચાતાપમાંથી પસાર કરાવીને સત્ય સુધી પહોંચાડવાનો રાજમાર્ગ છે. પ્રેમમાં ‘બદલો’ ન હોય, ‘બદલાવ’ હોય… પ્રિયજન ઉપર વેર લેવાનું નહિ, એના પર વારી જવાનું મન થાય! અને એટલે જ ઈશ્ક જાનવરને ઈન્સાન બનાવી શકે,
    બેફામની પેલી મશહૂર રચના યાદ આવી
    એક રાજા હતો, એક રાણી હતી
    એ તો મારી ને તારી કહાણી હતી
    મારી પ્રીતિને પાગલ બનાવી દીધી
    તારી સુંદરતા પણ કેવી શાણી હતી
    માત્ર એના અનુભવ થયા સૌ નવા
    પ્રીત તો એની સાથે પુરાણી હતી
    કયાં ભૂલો પડયો, કંઇ ખબર ન પડી
    વાટ મારી તો આખી અજાણી હતી
    જીંદગીના મેં દિવસો જ ખર્ચ્યા કર્યા
    જીંદગીમાં બીજી કયાં કમાણી હતી?

    આ અભિગમ ગમ્યો-”મારો પ્રતિભાવ પણ ખરો પણ આવતીકાલે”

  2. Pinki says:

    મિત્રો, ખરેખર તો ઘણાં સમયથી આ ગઝલ મૂકવી’તી પણ જ્યારે વાંચુ ત્યારે કઈક નવો જ અર્થ અભિપ્રેત થાય તો મને થયું કે આ વખતે અન્યનું રસદર્શન પણ માણીએ તો ગઝલને અલગ અલગ રીતે જાણી/માણી શકાય.

    એક રાજા હતો, એક રાણી હતી એ રદ્દીફ જ મને તો ગમી ગયો કદાચ પુરાણ કાળ સાથે સંકળાયેલો તો પુરાણકાળથી જ શૈશવ સાથે પણ. જર્જરિત ઈમારતોની જેમ વાત પણ એટલી જ જૂની અને છતાંય ઈતિહાસથી અજાણી ?!!

    જેની વાત માત્ર વાંચવી કે લખવી પણ અઘરી છે તેવાં પાત્ર થકી એવી ઘટના આપણી સાથે ઘટે તે છતાં આપણી જીંદગીની એ ઘટના તો એક કહાણી માત્ર જ બની રહે? -’લોચનની ભાષામાં ઘટના અને જીવતરની ભાષામાં યાતના’ ?

    ત્રીજા શેરમાં જાણે કવિ કોઈ અધૂરા પ્રેમની વાત કરતા હોય એમ કહે છે- અવસ્થા પણ હતી, ફૂલકન્યા પણ હતી વળી તીર સાથેની ચિટ્ઠી – (દિલ પર તીરનું નિશાન યાદ છે ને ? )અને ઊડતી એક ઘોડી પણ હતી જેની પર સવાર થઈ તેનાં સપનાંનો રાજકુમાર બનીને ચાહે તો જઈ શકત પણ ….?!! કદાચ ના જવાયું પણ એ એક ક્ષણ માટે તો અમે બન્ને જાણે – એક રાજા હતો, એક રાણી હતી.

    શેર માટીની ખોટ પૂરવા કેટકેટલી બાધા-આખડી કરેને પછી કોઈ પરિણામ ન મળે તો વંશાવલિ ધૂળધાણી? કે બાધા પૂરી થાયને જો કપૂત પાકે તો પણ વંશની ધૂળધાણીને ?

    તો અંતિમ શેર (જો કે સાધુ શાપ આપે ? અને તે ફળે તે વાત મારા મગજમાં ક્યારેય નથી જ ઊતરી પણ છતાં)- પ્રિયજનનો વિરહ શ્રાપરૂપ જ લાગે. “કોણ કહે છે વિરહમાં સમય જતો નથી? યુગોના યુગો વીતી જાય છે એક ક્ષણમાં -” આ યુગો પથ્થર બની વીતાવ્યા તે વધુ સારું – કારણ પથ્થર દિલ તેના તિરસ્કારને સમજી ના શક્યુંને – શ્રાપ પણ જાણે વરદાન બની ગયો !!!

  3. sudhir patel says:

    પીંકીબેન તમે યાદ કરાવી દીધાં અમરેલીના એ સોનેરી દિવસો, પ્રિય કવિ-મિત્ર અરવિંદ ભટ્ટની આ યાદગાર ગઝલ મૂકીને.
    એ દિવસોમાં અમે બન્ને બેંક કર્મચારી બેંકમાં મળતા અને એ મારા ગઝલનૉ ગ ઘૂંટવાના દિવસો હતા-૧૯૭૮ ના સમયની વાત છે. એની પાસેથી ગઝલના છંદની પણ જાણકારી મળી હતી.
    આ તેમની ખૂબ જ જાણીતી ગઝલ છે અને ગુજરાતી ગઝલની શિરમોર ગઝલોમાંની એક ગણું છું.
    સુધીર પટેલ.

  4. એ સોનેરી દિવસોમાં મિત્ર અરવિંદ ભટ્ટની વાણીના ઘૂંટડા અમે પણ પીધા હતા હોં. આજે પણ મજા પડી.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME