ગઝલ : અશોક ચાવડા ‘બેદિલ’
મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું.
દહન કર્યા કરું છું રોજ લાગણીઓને,
હું મારી અંદર આખું સ્મશાન રાખું છું.
ભલે છું કોડિયું નાનું, છતાં સમય આવે,
સૂરજની સાથ બરાબરનું સ્થાન રાખું છું.
મને ખબર છે મને તું કશું ન દેવાનો,
કશું ન માંગીને હું તારી શાન રાખું છું.
છું મૌન ‘બેદિલ’ કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખું છું.
- અશોક ચાવડા ‘બેદિલ’
મરણની ચોકી કરવા શ્વાસને સાવધાન કરી દેનાર અશોક ચાવડાની એક ખુમારીસભર ગઝલ. જે હૃદયમાં લાગણીઓ સ્ફૂરે તેનું દહન કરવા હૃદયને જ સ્મશાન બનાવવું પડે- કેવી કઠોર વાસ્ત્વિકતા !!

મને ખબર છે મને તું કશું ન દેવાનો,
કશું ન માંગીને હું તારી શાન રાખું છું.
છું મૌન ‘બેદિલ’ કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખું છું.
મઝાના શેર્
ખુબજ સરસ ગઝલ છે.
“છું મૌન ‘બેદિલ’ કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખું છું.”