અકળ સંવાદ છે : રવીન્દ્ર પારેખ
જાત જોડે ચાલતો એવો અકળ સંવાદ છે,
બોલતું કોઈ નથી ને ઊઠતો પ્રતિસાદ છે.
કોઈપણ પળમાં તને ભૂલી શકું એ ભૂલ ના,
ને યુગો લગ યાદ રહું એવીય પળ એકાદ છે.
હોય તું તો બારણા વાસી તને રોકી શકું,
કઈ રીતે રોકું હું એને એ તો કેવળ યાદ છે.
એમ લાગે વિશ્વથી જાણે અલગ હું થઈ ગયો,
કેમ કે ના કોઈને બાકી કશી ફરિયાદ છે.
જ્યારથી તું વીજળી જેવી પડી મારી ભીતર,
તે જ ક્ષણથી મારું તો હોવું બધેથી બાદ છે.
આમ હું પોતે જ જ્યાં ખંડેર જેવો હોઉં ત્યાં,
કઈ રીતે તું કહી શકે કે તેં કર્યો બરબાદ છે.
હું કદીયે નામ તારું હોઠ પર લાવું નહીં,
ને છતાં ભીતર તો જાણે કે અનાહત નાદ છે.
- રવીન્દ્ર પારેખ
મિત્રો થોડા દિવસ પહેલાં જ આપણે ધ્વનિલ પારેખના પુસ્તક ‘દરિયો ભલેને માને…’ના વિમોચન પ્રસંગે તેમના પિતા રવીન્દ્ર પારેખને યાદ કરેલાં. આજે રવીન્દ્રભાઈનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ , તેમની જ એક ગઝલ.

બધા જ શેર ગમી ગયા… રવીન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
હું કદીયે નામ તારું હોઠ પર લાવું નહીં,
ને છતાં ભીતર તો જાણે કે અનાહત નાદ છે.
ખૂબ સરસ
તેમને જન્મદિનની શુભેચ્છાઓ
કવિ શ્રી રવીન્દ્ર પારેખને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
ગઝલકાર, માર્ગદર્શક રવીન્દ્રભાઈને જન્મ દિવસની શભેચ્છાઓ.