ઉમેરાઈ જાય છે : કિરણકુમાર ચૌહાણ
ભોળીભટાક લાગણી લલચાઈ જાય છે,
નીકળે છે ઘરની બહાર ને વેચાઈ જાય છે.
વંટોળ,ધૂળ,તાપ ને વરસાદ ધોધમાર,
વૃક્ષોથી આ બધું જ પહેરાઈ જાય છે.
અંધાર વચ્ચે કંઈ સદા ઝળહળ થયા કરે,
પાંપણમાં નાનું સ્વપ્ન જો ઘેરાઈ જાય છે.
જગમાં હવે તો દોસ્ત અગોચર કશું નથી,
આંખો કરું છું બંધ ને દેખાઈ જાય છે.
નબળાં પ્રસંગ હોય તો ચર્ચાય બે ઘડી,
છાપાની જેમ જિંદગી વંચાઈ જાય છે.
કાવ્યો લખું તો એટલી ઊર્જા મળે મને,
મારામાં જાણે કોઈ ઉમેરાઈ જાય છે.
- કિરણકુમાર ચૌહાણ
મિત્રો, ગઈકાલે જ સુરત ખાતે કિરણકુમાર ચૌહાણનાં ગઝલસંગ્રહ ‘મિજાજ’નું વિમોચન ડૉ.દિલીપ મોદીનાં હસ્તે થયું. જેની વધુ માહિતી મહેફિલ-એ-ખાસમાં મળી શકશે. આ સંગ્રહમાંથી તેમનો આગવો મિજાજ ધરાવતી એક ગઝલ…..!!
અંધારભર્યા આયખામાં આંખમાં ઝળહળ થયા કરતું હોય છે તો માત્ર સ્વપ્ન…..પણ જિંદગીના દુ:ખોની ચર્ચા કરવામાં જિંદગીના સુખો અખબારની જેમ વાંચ્યા વિના સુખને એક અવસર આપીએ તો… ? કદાચ સુખનું સ્વપ્ન ઝળહળી ઊઠે !! વૃક્ષની જેમ આપણે પણ ધૂળ, તાપ ને વરસાદમાં છત્રી કે રેઈનકોટને બદલે તેને જ અપનાવી એક સહજ જિંદગી જીવી લઈએ.

કિરણભાઈની સુંદર મઝાની ગઝલોમાંની એક..!
સુરત ખાતે કિરણકુમાર ચૌહાણનાં ગઝલસંગ્રહ ‘મિજાજ’નું વિમોચન ડૉ.દિલીપ મોદીનાં હસ્તે થયું.
અભિનંદન
અંધાર વચ્ચે કંઈ સદા ઝળહળ થયા કરે,
પાંપણમાં નાનું સ્વપ્ન જો ઘેરાઈ જાય છે.
જગમાં હવે તો દોસ્ત અગોચર કશું નથી,
આંખો કરું છું બંધ ને દેખાઈ જાય છે.
સુંદર પંક્તીઓ
હવે ગુજરાતી ગરબાઓનું પશ્ચિમીકરણ થયું છે અને
રાસ ગરબામાં અંગ્રેજી કડીઓ પણ ઉમેરાઈ જાય છે
શાંતિ અને ભવ્યતા હવે ઉત્તરોત્તર ઘટતી જાય છે
તો અદ્યતન યંત્ર-સામગ્રી પણ ઉમેરાઈ જાય છે.
ભોળીભટાક લાગણી લલચાઈ જાય છે,
નીકળે છે ઘરની બહાર ને વેચાઈ જાય છે.
- કેવી મજાની વાત!