જીવતો જાગતો માણસ ફૂટ્યો : ડૉ. વિવેક ટેલર
જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
- વિવેક મનહર ટેલર
ગઈકાલે રાત્રે ફરી એક વાર મુંબઈનગરી આતંકના ભરડામાં લપેટાઈ ગઈ ને ૬ જુલાઈ, ૨૦૦૬ મુંબઈના કે ૨૬ જૂલાઈ ૨૦૦૮ના અમદાવાદમાં થયેલ બોમ્બ વિસ્ફોટની યાદ અપાવી ગઈ. ૨ દિવસ પહેલાં જ વિવેકભાઈની જ એક રચના મૂકવાનું નક્કી કર્યું ને રોજ અલગ અલગ રચનાઓમાંથી પસાર થતી પણ ત્યારે આ રચના તો ઑપ્શનમાં હતી જ નહીં …… ???!! I hope, આ વિષેની રચના ફરી પૉસ્ટ ના કરવી પડે. તેમના બ્લૉગ પર પ્રતિભાવમાં લખેલું કે, શબ્દોની સરસ ‘ઘટના’ પણ વધુ કંઈક લખું તો કદાચ ‘ઘટના’નો મલાજો નહીં જળવાય ને આજે પણ એ જ કહેવું છે.

આ ઘટનાઓનો હવે કોઈ અંત દેખાતો નથી. વખત દૂર નથી જ્યારે દરેક માણસ જીવ પડીકે બાંધીને જીવતાં શીખી ગયો હશે… કોણ ક્યારે ફૂટી જશે, કોને ખબર!!
…
…..
એક ધડાકે કેટલા જેવનનો ગુલદસ્તો ફૂટયો ?
આવી રચનાઓ કવિઓને લખવી ન પડે એવો દિવસ કયારેય આવશે ખરો ?
કોઇ ક્રિકેટર સદી કરે કે કોઇ રેકોર્ડ તોડે ત્યારે કરોડોના ઇનામોને લહાણી પલવારમાં થઇ જાય છે. જયારે કોઇ દેશ માટે જાન ગુમાવે ત્યારે કોરી સવેદના માત્ર ? કોરા શબ્દો માત્ર ? ત્યારે ફકત થોડા રૂપિયા ફેંકાશે…તેના અનાથ કુટુંબ માટે..એ પણ કઇ રીતે ? કયારે ? એવા અનેક કિસ્સાઓ જોયા છે જેમણે દેશ માતે શહીદી તો વહોરી પરંતુ પાછળથી તેના કુટુંબની પૂરતી સંભાળ લેવાઇ નથી. ખાલી બે ચાર દિવસ જયજયકારના નારા જ શું પર્યાપ્ત છે ?