એક મોતી : આબિદ ભટ્ટ

 

એક મોતી છીપમાં અકબંધ છે,
તોય જૂનો કેટલો સંબંધ છે !

દિલ ઉપર તો પ્હાડના બસ પ્હાડ છે,
નાખ બોજો સાવ ખાલી સ્કંધ છે.

કોઈની મગદૂર પડકારી શકે,
એટલે તો સૂર્ય પણ પાબંદ છે.

કોઈ અવસર કેમ હું માણી શકું !
જ્યાં પડે મારી નજર આક્રંદ છે !

એક આખો માનવી સામે બળે,
અન્ય જાણે મૂઢ ઊભો સ્તંભ છે !

હું પ્રવેશી બારણે પાછો વળું,
દ્વાર ભીતરનાં હજીય બંધ છે !

- આબિદ ભટ્ટ

 

છીપમાં સચવાયેલ મોતી સમ માણસ સાથે માણસનો નાતો પણ અકબંધ સચવાતો હોય તો … ?!! બસ ભીતરનાં દ્વાર ખોલી ખાલી સ્કંધ પર કોઈનો બોજો ઉપાડી લઈએ…..!!

 

 


One Comment to “એક મોતી : આબિદ ભટ્ટ”

  1. pragnaju says:

    એક આખો માનવી સામે બળે,
    અન્ય જાણે મૂઢ ઊભો સ્તંભ છે !
    હું પ્રવેશી બારણે પાછો વળું,
    દ્વાર ભીતરનાં હજીય બંધ છે !
    ખૂબ સરસ
    ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
    એવું કહીને એ જ તો ભુલી ગયા મને

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME