આંધળી મા નો કાગળ : ઈન્દુલાલ ગાંધી
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ ગામે, ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ,તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે,ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,પાણી જેમ પઈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર;
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.
- ઈન્દુલાલ ગાંધી
ઈન્દુલાલ ગાંધીનાં જન્મદિને તેમની બે પ્રખ્યાત રચના…. !! આ આંધળી મા ના કાગળે કેટલીય માની લાગણીઓને વાચા આપેલી અને તેમણે જ પછી દીકરાની મજબૂરી પિછાણીને દેખતા દીકરાનો જવાબ રચના પણ લખી.

સમય બદલાયો છે પણ વાસ્તવિકતા આજે પણ નવા સ્વરૂપે એવી જ છે. બંને રચનાઓ મૂકવા બદલ ધન્યવાદ.
દર એક પંક્તિ મા એક અહેસાસ છુપાયો છે,….ખુબ જ સારી કવિતા છે………….
Khub j sunder kavita chhe
Indulal Gandhi no khub khub aabhar
Ane aasha chhe ke bhavishya ma pan te aavi kavitao webmahefil upar mukshe.