સઘળુંય સાંપડશે : નીતિન વડગામા
જરા તું ઝૂક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,
પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે.
હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવત ને કોદાળી તને સઘળુંય સાંપડશે.
અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?
દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે.
પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,
નદી થૈ જાને નખરાળી તને સઘળુંય સાંપડશે.
ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહીં લાગે,
રહેશે જાત ઓગાળી તને સઘળુંય સાંપડશે.
રટણ તું રોજ કરજે હા, કદી તો પ્રેમરસ પાશે,
વરસશે સ્હેજ વનમાળી તને સઘળુંય સાંપડશે.
- નીતિન વડગામા
માનવ સ્વભાવની સઘળુંય પામવાની ઘેલછાને કવિશ્રીએ બરોબર પારખી છે અને આથી જ સઘળુંય સાંપડશે કહી જાણે એક દિલાસો આશ્વાસન આ ગઝલ આપે છે. પણ શરત બસ એટલી છેકે, શાંત દરિયો ના થઈશ નદી નખરાળી બની જા….. ?!! કોઈનાં હાથને સાથ આપ, જાત ઓગાળી નાંખ ને હરિવરનું રટણ કરતાં કરતાં બસ ડાળીની જેમ ઝૂકી જો - આ વનમાળી તને ભીંજવી દેશે….. આજે નીતિનભાઈનાં જન્મદિને તેમને ‘સઘળુંય સાંપડે’ તેવી શુભેચ્છાઓ સહ…….. !!!

શુભ પ્રભાત.સારી પસંદગી બદલ ધન્યવાદ. સમગ્ર ગઝલ મનને પ્રસન્ન કરે એવી છે.
નીતિનભાઈને જન્મદિનની શુભેચ્છા.
નીતિનભાઈને જન્મ-દિવસની શુભકામનાઓ!
સુંદર ગઝલની પસંદગી બદલ પીંકીબેનનો આભાર.
સુધીર પટેલ.
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?