મશહૂર છું : ‘રુસ્વા’ મઝલૂમી

 

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર* છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દી઼ન* ફક્ત ‘રુસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

- ‘રુસ્વા’ મઝલૂમી

 

 ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી એટલેકે પાજોદ દરબાર જનાબ રુસ્વા સા’બ……… જેના થકી ઉત્તમ ગઝલો જ નહીં પણ અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરી જેવાં ઉત્તમ ગઝલકારો પણ સાંપડ્યાં.  આજે આપણી વચ્ચે તેઓ હાજર નથી પણ માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં સ્વતંત્ર ભારતનો નવો નકશો પણ તેમણે જ બદલ્યો છે.  બાબી વંશનાં નવાબ સા’બ પહેલાં મુસ્લિમ રાજવી હતાં જેણે ભાગલા વખતે જૂનાગઢને ભારત સાથે જોડવાનું નક્કી કર્યું અને  ફિલ્મ અભિનેત્રી પરવીન બાબી પણ ત્યાંની જ !!  તેમનાં જન્મદિને બસ તેમનાં શબ્દો યાદ કરી માનવું જ રહ્યું કે, “કેમ માનું તુજ થકી હું દૂર છું?”

*મનસૂર – એક સૂફી સંત જેઓને અનલહક ( અહં બ્રહ્માસ્મિ) બોલવા બદલ ઈસ્લામ વિરોધી સમજી મૃત્યુદંડ આપી કબરમાં નહીં દાટતા સળગાવી મૂકેલાં.

*ઇમામુદ્દીન – તેમનું સાચું નામ.

 

 


3 Comments to “મશહૂર છું : ‘રુસ્વા’ મઝલૂમી”

  1. ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
    કેમ માનું તુજ થકી હું દૂર છું?

    બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
    આમ છું ખાલી છતાં ભરપૂર છું.

    -વાંચતા જ સ્પર્શી જાય એવા અર્થસભર શેર… ગઝલના પ્રતીકોની છણાવટ અને કવિના ઈતિહાસનો અછડતો સ્પર્શ મહેફિલનો રંગ ઓર ઘેરો બનાવે છે. અભિનંદન !

  2. sudhir Patel says:

    રુસ્વા સાહેબને એમના જન્મ-દિવસ પર યાદ કરી એમની મશહૂર ગઝલ મૂકવા બદલ તમને હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  3. ત્રણ દિવસના બ્લેક-આઉટ બાદ આજે ફરી મહેફિલના દર્શન થયા… બ્લૉગ્સને પણ ગ્રહણ લાગે છે, ખરું?!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME