તૂટે તારીખ : કેશુભાઈ પટેલ
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કૅલેન્ડરથી છૂટે.
ગગને ઊડતાં પંખી જોઈ,અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે,સાથ પવનનો માગી.
એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
-દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
ઝાડ ઉપરથી ખરતાં પર્ણો કૂંપળ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ નવા યુગની વસતી.
સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
-દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
- કેશુભાઈ પટેલ
દીવાલ પર ટીંગાડેલી તારીખ એક જ દિવસનું રાજ કરે છે પણ આપણા માટે એટલું જ સત્ય છે કે રાજ કરવા એક દિવસ નહીં ગર ઝડપાઈ તો એક ક્ષણ જ હોય છે જેને તક કે તકદીર કહીએ છીએ અને અંતરની આશા જગાવી તે પળે પંખીની પાંખને જેમ આકાશ ફૂટે એમ નહીં ઊડીએ તો પછી સુરેશ વિરાણી કહે છે એમ,
“સવારે સમાચાર, સાંજે એ પસ્તી,
જીવન સાલું લાગે છે અખબાર જેવું.”
કૅલન્ડરમાંથી એક એક તારીખ નહીં આપણા આયુષ્યનો એક એક દિવસ ઓછો થતો જતો હોય છે તો તે દિવસ – તે પળને અવસર આપી અસ્તિત્ત્વનો ઉત્સવ ઉજવવો જ રહ્યો.
મિત્રો, આજે આ તારીખનું ગીત ટીંગાડવાનું ખાસ કારણ એ જ છે કે, વૅબમહેફિલ પર આજે આ રચના સાથે ૧૦૦મી પૉસ્ટ મૂકી છે. મને મળેલી ક્ષણોને વધાવવા જ રોજ વિવિધ રચનાઓ વૅબમહેફિલ પર ટીંગાડું છું અને મને એમ જ થયું કે હજુ હમણાં તો …. પહેલી પૉસ્ટ મૂકી’તી પણ તારીખિયુંમાં દિવસો જતા ક્યાં વાર લાગે છે ને આજે હવે આ પહેલો મુકામ છે કે જ્યાં વૅબમહેફિલ પર કઈક ખૂટતું હોય તો વાચકો અને ભાવકો હકથી કહી શકે છે. આ સાથે જે બદલાવ મને જરૂરી લાગ્યા છે તે તો કરીશું જ પણ તે સાથે આપ સૌનાં સલાહ, સૂચન અને માર્ગદર્શન પણ જરૂરી અને આવકાર્ય છે.
સાહિત્યકારોની જન્મતિથિ ,પુણ્યતિથિ તથા અન્ય સ્પેશ્યલ ડે કે વિવિધ ઘટનાઓને અનુલક્ષીને રચનાઓ મૂકવા સાથે મારો નાનકડો પ્રયત્ન એ પણ રહ્યો છે કે, વિષય વૈવિધ્યની સાથે પદ્યસાહિત્યનાં વિવિધ પ્રકારો કે નવીનતમ પ્રયોગને પણ આપણે જાણી શકીએ અને માણી શકીએ. જેમકે, હાઈકુ ગઝલનો તદ્.ન નવો જ પ્રયોગ મનોજ ખંડેરિયાએ કરેલો જેને આપણે તેમની પુણ્યતિથિએ મૂકી એક શબ્દાંજલિ અર્પણ કરેલી. તો મહેફિલ-એ-ખાસમાં વિવિધ કાર્યક્રમની માહિતી આપી છે જેથી રસિકજનો તેને માણી શકે તે કાર્યક્રમનો ટૂંક-અહેવાલ આપવાનું નક્કી જ હતું પણ સંજોગોવશાત્/કારણોવશાત્ તે શક્ય બન્યું નથી- પણ હવે ચોક્કસ પ્રયત્ન કરી જોઈશ.
આ સાથે એક નાનકડી વાત અમે સૌ તે પછી વૅબમહેફિલ હોય,લયસ્તરો હોય, ટહુકો હોય,રણકાર હોય કે અન્ય કોઈ સાઇટ્…. કોઈ એક રચના માટે કે સાઇટ્ના માળખા માટે ખૂબ જ મહેનત કરી સમય અને પૈસા બગાડીએ છીએ. ઘણાંખરાં સાહિત્યકારોની પરવાનગી લીધી જ છે અથવા તો હક કરીને આપ સૌ માટે તેમની રચનાઓ મૂકી છે તે સાહિત્યકારોનું માન જાળવવા પણ તે રચનાની સીધી કૉપી-પૅસ્ટ ના કરો તે વધુ યોગ્ય રહેશે ……!! અને હા……. આ સાથે ત્રણ દિવસ સાઇટ્માં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી આપને તકલીફ પડી તે બદલ ક્ષમાયાચના.
.

Congratulations on your 100th post, Pinkiben!
Wish you all the best and success ahead!
Sudhir Patel.
અભિનંદન.
સોમી પોસ્ટના સુવર્ણદિન બદલ હાર્દિક શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન…