સમાચાર જેવું : ગૌરાંગ ઠાકર
મને હું મળી લઉં છું અખબાર જેવું,
આ ખાલીપણું છે સમાચાર જેવું.
પછી એ જ થઈ જાય પડકાર જેવું,
હું મન જ્યાં મનાવું સમજદાર જેવું.
બગીચે સુગંધિત કવિતા રજૂ થઈ,
આ ઝાકળ ફૂલોનાં પુરસ્કાર જેવું.
પવન પાંદડાં લઈ ગયો પાનખરમાં,
હવે વૃક્ષ આખું નિરાધાર જેવું.
વિચારોથી તેથી અલગ ના થવાયું,
નથી યાદને કોઇ આકાર જેવું.
નહીંતર આ મત્લા, તગઝ્ઝુલ ક્યાંથી ?
હશે કોઈ ભીતર ગઝલકાર જેવું.
- ગૌરાંગ ઠાકર
આજે સવારે જ ટીવી ન્યુઝમાં જોયું કે કાશ્મીરની વાદીઓમાં બરફવર્ષા !! સનસનાટી ફેલાવતાં ભયંકર સમાચારોનાં આતંકની વચ્ચે કોઈ એક ચેનલને તો આજે કુદરતનો આ નજારો – સમાચારમાં નોંધવા લાયક લાગ્યો, ને હું પણ એ એક જ ક્ષણ માટે જ ‘મને’ મળી… !! અને તરત યાદ આવી આ ગઝલ. જોકે ગૌરાંગભાઈ તો અખબાર જેવું પણ મળે છે આપણે તો ટૅલિગ્રામની જેમ ઈમરજન્સીમાં જ આપણને મળવાનો ટાઈમ આપતાં હઇશું કે નહિં ? એ પણ પાછાં શોક સમાચાર જ હોય ત્યારે જ ?
જોકે રોજ જ જાત સાથે સંવાદ સાધવાનો ‘૦’ hour કે ૨૫મો કલાક શોધી કાઢવાની શરત સાથે જ આ ગઝલ માણીશું નહીંતો ખાલીપણું સમાચાર જેવું જ રહેશે, ખરુંને ? ન સરકાર પગલાં લે કે ન જાગૃત જનતા ….. ?!! ‘શરાફતઅલીકો શરાફતને મારા’ – જેવું જ કઈક – ભીતરે ચાલતાં કુરુક્ષેત્રને કોણ રોકી શકે ? મન મનાવીએ પણ એ પણ સમજે છે ને અર્જુન નહીં કૃષ્ણ બની માર્ગદર્શન આપે છે ને ફરી એક પડકાર જાત સામે જ .. ?!!
.

Nice Gazal! Enjoyed almost all shers, Gaurangbhai!
Sudhir Patel.
સુંદર મજાની ગઝલ… ગૌરાંગ ઠાકરનો સિક્કો પણ સાફ નજરે ચડે છે…
પચ્ચીસમા કલાકવાળી વાત પણ ખૂબ ગમી…
કૉલેજમાં પહેલો લૅકચર ‘૦’ hourનો હતો ….
અને ૨૫ મો કલાક તો ત્યારથી શોધવાની કોશિશ માત્ર હતી.
પણ હવે વૅબમહેફિલ પર એ ૨૫મો કલાક મળી ગયો એવું જ લાગે છે.