મજાનું એક સપનું : બરકત વિરાણી ‘બેફામ’

.

“કે…..મ ? રસ્તા પર દોડીને પતંગ પકડે છે ? તારા ઘરમાં પતંગ નથી ? જા ઘરે જતો રહે અને પતંગ ચગાવ …. O….K…..!!” મારો દીકરો એની જ ઉંમરના એક બીજા બાળકને સ્હેજ ઠપકા અને સ્હેજ મીઠા ગુસ્સાથી કહી રહ્યો હતો. કારણ એને હજુ ખબર નથી પડતી કે એ બાળકને જિંદગીના ‘દોર’ને ટકાવી રાખવા પતંગ ચગાવવાને બદલે કપાયેલા પતંગ પકડી વેચવા પડે છે.
એને એનું પોતાનું એક આકાશ છે અને એ આકાશપિંજરની બહાર એનો પતંગ નથી પહોંચવાનો.

હા… નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે સ્કૂલમાંથી પણ ચર્ચ વિઝિટ કરવા ગયેલાં અને અમે પણ એને અમારી રીતે સમજાવવા પ્રયત્ન કરેલો કે નાતાલ કેમ અને કેવી રીતે ઉજવાય ? અને ત્યારે સામે જ ફૂટપાથ પર તેની ઉંમરનાં જ બાળપુષ્પો બાળમજૂરીના કાયદાની ઐસીતૈસી કરીને સૅન્ટાક્લોઝ બની ટોપીઓ અને બીજું ઘણું બધું વેચી ન્યુ યર સેલીબ્રેશન કરતાં’તાં…. !!

બેફામ સા’બની એક નઝમ ફૂટપાથ પરના આવા જ કોઈ માનવી માટે ‘મજાનું એક સપનું’ લઈને આવે છે.

કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી,
સુતો’તો ચેનથી નિશ્ચિંત પથ્થરની પથારીમાં,

મજાનું એક સપનું એના અંતર-ઓરડામાં જઈ,
વિહરતું’તું પ્રવેશીને નયનની બંધ બારીમાં.

મજાનું સ્વપ્ન એ, એ માનવીની આંખમાં ઉઘડ્યું,
સુશોભિત, ભવ્ય સુંદર ને મનોહર એક મહાલય થઈ;

મહાલયના બગીચાનાં મહકતાં ફૂલની વચ્ચે,
એ ફરતો’તો બધીયે મુશ્કિલોથી સાવ નિર્ભય થઈ.

મહાલયનો હતો પોતે જ માલિક, એટલા ભાને-
સમજતો’તો કે ધરતી પર મળ્યું છે નાનું રાજ એને;

એ જોતો’તો કે આવી જોઈ પોતાની શ્રીમંતાઈ,
સલામી આપવાને આવતો આખો સમાજ એને.

મગર ત્યાં તો અમાસી રાતના જલતા દીવા જેવા,
સિતારાને ઉષાની ઓઢણીની ફૂંક લાગી ગઈ;

ભટકતા કોઈ એકલ ને નિરાશ્રિત માનવી જેવો,
સળગતો સૂર્ય જાગ્યો સ્વપ્નશીલ આંખોય જાગી ગઈ.

અને એ મુફલિસે જોયું-હતી ફૂટપાથ એની એ,
થયું એને જગતમાં સત્ય છે એક જ જીવન મારૂં;

અને આ મહેલવાળાં માનવી જેને જીવન સમજી,
વીતાવે છે સદાયે, એ તો છે ખાલી સ્વપન મારૂં.

- બરકત વિરાણી ‘બેફામ’

* જોડણી પુસ્તક મુજબ લખવામાં આવેલ છે.

.


2 Comments to “મજાનું એક સપનું : બરકત વિરાણી ‘બેફામ’”

  1. sudhir Patel says:

    Very fine Nazam. Enjoyed it.

  2. સુંદર નઝમ…

    ખાસ તો કવિતાના મથાળે લખેલી નાનકડી વાત ખૂબ સ્પર્શી ગઈ… એ વાત પોતે એક કવિતા બરાબર લાગી…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME