વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા

 

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

- હિતેન આનંદપરા

 

વાસંતી વધામણાંમાં પહેલી રચનામાં વસંત કાનમાં આવીને પૂછી ગયેલી ‘ આવું ?’  ને આજે છેલ્લી રચના – દરેક મનુષ્યના જીવનમાં આવી જ વસંત પાંગરે તો …!!  પાનખરમાં વિખેરેલી અતૃપ્ત ઝંખનાઓનો તંત પણ વસંતમાં મળે ને બધીય અટકળોનો અંત આવે …. કેટલી અદ્.ભૂત વાત !! ને મહેકની ગલીઓ પણ અનંત પમાય તો કેવું ? હિતેનભાઈ પુષ્પોની આગેકૂચ કરાવી નશીલી સાંજને જ્વલંત વિજય અપાવે છે. તો નગરનાં કોલાહલો શું કોયલના ટહુકામાં ચૂપ થઈ જતાં આપણે નથી અનુભવ્યાં ? યાદ કરો….. પેલી સાંજે કોયલનો ટહુકો સાંભળી  આપણે ટીવી ચાલુ રાખીને કે ટ્રાફિકની ચિચિયારીઓ વચ્ચે પણ તેની પાસે પહોંચી ગયેલાં કે નહીં ?!!  બસ આવી જ વસંત આપ સૌનાં જીવનમાં પાંગરે તેવાં વાસંતી વધામણાં….. !!

 

 

.


2 Comments to “વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા”

  1. Sandhya Bhatt says:

    A beautiful gazal expressing tender still powerful
    feelings

  2. ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
    અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

    -અદભુત શેર….

    વસંતોત્સવ સરસ ફાલી રહ્યો છે…. આભાર!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME