તદબીર લાગે છે : બરકત વિરાણી ‘બેફામ’

 

 

મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે,
કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર* લાગે છે.

નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં,
મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર* લાગે છે.

ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી,
મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે.

નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઈની જાણે જૂની તસ્વીર લાગે છે.

ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

એ મુક્તિ હો કે બંધન હો, ચરણનો હાલ છે એક જ;
પ્રથમ લાગ્યાં હતાં કાંટા, હવે જંજીર લાગે છે.

નહીં તો વાદળી વરસ્યા વિના વિખરાઈ ના જાયે,
ધરા જેમ જ ગગનમાં ઝાંઝવાનાં નીર લાગે છે.

લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.

- બરકત વિરાણી ‘બેફામ’

સદીઓથી મનુષ્ય અટવાયેલો છે પ્રારબ્ધ ને પુરુષાર્થની માયાજાળમાં તો બેફામ સા’બ પણ આ જ વિષયવસ્તુને પોતાના આગવા મિજાજમાં રજૂ કરે છે. કોઈને પોતાની બંધ મુઠ્ઠીમાં તકદીર દેખાય છે તો કોઈ ઉઘાડો હાથ રાખી માત્ર પુરુષાર્થમાં જ માને છે. તો નસીબની બલિહારીએ કોઈ માવઠું આવીને વિખરાય જાય ત્યારે બેફામ સા’બને આકાશમાં પણ ઝાંઝવાનાં નીર હશે તેવી શંકા જાય છે. ને મક્તાના શેરમાં તો તેઓ તકદીરને માત આપીને કહે છે…. સજદામાં કપાળ ટેકવાનો પુરુષાર્થ એ તો તકદીરને ભૂંસવાનો પ્રયત્ન જ છે !!  યાદ આવે છે તેમનું જ એક મુક્તક….

તકદીર ને તદબીર

દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.

 

શબ્દાર્થ : તાબીર – ગુણ , તામીર – નિર્માણ

 

 

.


5 Comments to “તદબીર લાગે છે : બરકત વિરાણી ‘બેફામ’”

  1. sudhir Patel says:

    સુંદર ગઝલ.
    તાબીર નો અર્થ ‘હકીકત’એવો થાય છે એ જાણ માટે.
    સુધીર પટેલ.

  2. લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
    કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.
    - પરંપરાની ગઝલનો અદભુત રંગ….

  3. Pinki says:

    આભાર સુધીરભાઈ,
    તે અર્થ વધુ યોગ્ય લાગે છે.

  4. શાનદાર ગઝલ .. !!

    ખુબ જ મજાના અશઆર …

    ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
    બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

    સાચે જ … જો કોઇ બે ચીજો ઈશ્વરે દરેક મનુષ્યને કોઇપણ જાતના પક્ષપાત વિના આપી હોય તો એ છે પ્રેમ અને દુઃખ .. ચમન અને રણ … !!

    લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
    કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.

    વાહ… હું તો માનું છું કે સાચે જ ઈશ્વરના સજદામાં જ્યારે પણ લલાટ ઘસીએ તો એ જ ઈરાદાથી ઘસવું જોઈએ કે તકદીર ભુંસાય અને ઈશ્વરે જે પણ આપવું હોય .. જે પણ એને આપણા માટે જરૂરી લાગે તે.. આપી શકે …

    એક ઉર્દુ શેર યાદ આવ્યો…

    सजदों के निशां तेरी जबीं पर हुए तो क्या ?
    सजदे वो कर जो रु-ए-ज़मीन पर निशान पड़े !!

    અદભૂત ગઝલ ..

  5. snehaakshat says:

    khub saras..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME