ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ

.

પૂજ્ય બાપુ -

હા, ગાંધી બાપુ…. મળ્યા’તા ! એક વાર,

પૂછતા’તા ભારતને કેમ છે ?

મેં કહ્યું, બાપુ, હજુય બીજી ઑકટોબરે રજા રખાય છે.

ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા ય થાય છે…..’

કોઈ વડીલ પૂછે છે…. શું છે આજે ?

અને આનંદની વાત એ છે કે,

યાદ કરાવીએ એટલે યાદ પણ આવી જાય એમને !

પણ જો બીજી ઑકટોબરે રવિવાર આવે તો,

આપને યાદ કરતાં બીજું વરસ આવી જાય છે.

રજા તો રવિવારની જ હોય ને ?

સિદ્ધાંતો ! સત્ય ! અહિંસા ! અપરિગ્રહ !

……..અઘરાં શબ્દો છે.

હા ! ખાદીની પ્રૉડક્ટમાં વળતર અપાય છે, આખો મહિનો, ઑકટોબર .

પણ ૩૦ જાન્યુઆરીની બહુ યાદ નથી આવતી,

અને એમાં પણ એમનો વાંક નથી.

એક જ વ્યક્તિનાં કેટલા પ્રસંગો યાદ રહે ? બીજાં કામ પણ હોય ને !

- ચંદ્રકાંત નિર્મલ

.

.

બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ……!

.

.

.

.


6 Comments to “ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ”

  1. Niraj says:

    ખૂબ ચોટદર કટાક્ષ..

  2. ૩૦મી જાન્યુ.ના અનુસંધાને પ્રસ્તુત રચના ઉચિત ગણી શકાય,
    સાથે-સાથે લાંબા(આપત્તિજનક)વિરામ પછી શબ્દશઃ પુનઃકાર્યરત થયું એ આનંદની વાત છે…..
    ઈશ્વર સહુને સદબુધ્ધિ પ્રદાન કરે એજ અભ્યર્થના.

  3. જય says:

    સરસ કટાક્ષ — ગુજરાતી સમાચારમાં સાભળ્યું કે એક શહેરમાં મ્યુનિસિપલ કાર્યકર્તાઓ ૨૬મી જાન્યુઆરીને દિવસે શરાબની મહેફિલ માણતા પકડાયા.
    સાંભળ્યું છે કે પોરબંદરમાં પણ આવી સામાજીક બદીઓ વધી રહી છે. ગાંધીજી યાદ રહેશે — નહિ ભૂલાય. કેવી રીતે?

  4. જય says:

    પ્રીતમ લખલાણી: સત્યનું પગલું

    કવિ: પ્રીતમ લખલાણી
    પુસ્તકનું નામ: દમક
    કાવ્યનું નામ: સત્યનું પગલું
    પૃષ્ઠ: ૬૬

    રોજ સવારે
    ગાંધીચોકમાં
    ઝાડું વાળતાં
    અઢળક પગલાંનો ઢગલો જોઈને-
    બીડી ફૂંકતો રામજી વિચારે:
    આ બધાંમાં
    સત્યનું પગલું કયું હશે?

  5. બાપુ… !!! જતે દિવસે ફક્ત-ફક્ત ચલણી “કાગળો” પરના ફોટામાંના જણ બનીને ન રહી જાય તો જ નવાઈ… બાકી ૬ ડીસેમ્બર જેવું કશુંક કરવા માટે કોઈને ૨જી ઓક્ટોબર હજી સુધી માફક નથી આવી કદાચ. જે દિવસે આવી ગઈ ત્યારથી તો ૨જી ઓક્ટોબરનું અનુસંધાન પણ “બાપુ” સાથેથી હટી જઈને દુર્ઘટના સાથે ન સંકળાઈ જાય તો સારું !!!

  6. [...] વેબ મહેફિલ પર વાંચોઃ ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ [...]

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME