વિશ્વ અંધ છે : અશોક ચાવડા ‘બેદિલ’

 

 

ઇતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે,
પણ શું કરું, ઇતિહાસ તો પાનાંમાં બંધ છે.

કલ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રૌપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.

સાથે રહ્યા છે એટલે સોબત થઈ હશે,
કે આજ તો કાંટા મહીં મોહક સુગંધ છે.

તૂટી જશે ક્યારેક તો એ વાતવાતમાં,
બહુ સાચવીને શું કરો, આખર સંબંધ છે !

તું મોત માંગીને હવે ‘બેદિલ’ કરીશ શું ?
જ્યાં જિંદગીમાં રોજ મરવાનો પ્રબંધ છે.

- અશોક ચાવડા ‘બેદિલ’

 

 

 


3 Comments to “વિશ્વ અંધ છે : અશોક ચાવડા ‘બેદિલ’”

  1. જીવનમાં મુખ્યત્વે રહેલા નકારાત્મક આયામને ઓપ આપતી ગઝલ… ટૂંકમાં અંધારાને અજવાળતી ગઝલ…

  2. વાહ વાહ વાહ સરસ ગઝલ….

  3. પ્રતિક મોર says:

    લીલાછમ જંગલો કપાયા અને મકાનો બંધાયા,
    પેલા ઊંચા ઊચા વૃક્ષો જો ધરતી પર પટકાયા,
    પશુપક્ષી આજ શહેર મા જઇ ક્યાંવ ક્યાં અટવાયા.

    ઘરની સીળી નીચેથી સાપ મળી જાય છે,
    ગલીએ ગલીએ આજે કુતરા ભટકાય છે,

    દિવાલના રંગે રંગાયેલો કરોડિયો,
    મોબાઈલ ટાવર પર રહેતા મોર.
    પાંજરામાં પુરાયેલા રડતા પંખી,
    ખુલ્લા રસ્તા ઉપર પડી રહેલા ઢોર.

    શહેરના રંગે રંગાઇ શહેરમાં ભળી ગયા,
    જંગલના મોહ છોડી શહેરમાં ધળી ગયા,
    ને જંગલ નો પેલો જંગલી માણસ
    કોક્રીટ ના જંગલમાં પણ જંગલી રહી ગયા.

    પ્રતિક મોર
    pratiknp@live.com

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME