આસિમે સંકેલી ‘લીલા’ : ગઝલ : ‘આસિમ’ રાંદેરી
એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી;
જેને સમજો છો કિનારો એ તો કિનારો તો નથી.
એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી;
ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.
એ ખજાનો છે ગગન કેરો અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દર નો સિતારો તો નથી.
કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વંદન ?
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.
માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઇજારો તો નથી.
દિલના અંધકારમાં આ ચાંદની ક્યાંથી ખીલી !
ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી ?
મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી.
મુજને દુનિયાય હવે તારો દીવાનો કે’ છે,
એમાં સંમત તારી આંખોનો ઈશારો તો નથી ?
હું ય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી ?
પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો તો ઉતારો તો નથી !
લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’ !
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી.
- ‘આસિમ’ રાંદેરી
જનાબ મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ સૂબેદાર ગઈકાલે ૫ ફેબ્રુઆરી, ૨૦૦૯નાં રોજ પોતાની ‘લીલા’ સંકેલી જન્નતનશીન થયાં છે. ર.પા.ની સોનલ તેમ આસિમ સા’બની ‘લીલા’….. આ પાત્રને સંબોધીને રચિત તેમની ગઝલો ખૂબ જ પ્રચલિત અને જ્યારે પણ મુશાયરામાં ઊભા થાય ને લીલા લીલા ની બૂમો પડતી. તેઓ ખુદ કહેતાં ‘લીલા’ એ તો મારી કલ્પનામૂર્તિ છે અને લીલાકાવ્યો મારા જીવનની મહામૂડી છે. ખુદા તેમનાં આત્માને શાંતિ બક્ષે તેવી દિલી દુવા … આમીન !!
.

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી !
અદભૂત શેર !!
આસીમસાહેબને અંતઃકરણના ઊંડાણથી શ્રદ્ધાંજલી…
ખુદા સદગતના આત્માને શાંતિ બક્ષે…
આસિમ હવે રગં પણ ગયો,મહોબ્બતની રીત પણ ગઈ,
તારા વગર હવે કલ્પીત લીલા નુ અસ્તિત્વ પણ ગયુ.