હૃદયથી તે આંખો સુધી : રવીન્દ્ર પારેખ

 

હૃદયથી તે આંખો સુધી જળ ભરાશે,
સરોવર તને તે પછી ઓળખાશે.

ઝડપ કર; ન રસ્તે પછી નીકળાશે,
સ્મરણ જેવું વાદળ જો મન પર છવાશે.

નદી એક મૃગજળનું સરનામું લાવી,
અને હોડી કાગળની બોલી, ‘તરાશે’.

મને દીવડા જેમ પ્રગટાવું તો શું ?
તરત તું જ ઝડપી પવન જેમ વાશે.

મને તું જીવન ના ગણે તો ભલે પણ,
અહીંથી ખસીશ તો પછી છેતરાશે.

મને માંડ આજે સમેટીને બેઠો,
ઘણે વર્ષે ખુદને હવે કૈં મળાશે.

બને કે તું મોતી તો વીંધી શકે પણ,
કહે, ટેરવા પરનું આંસુ વીંધાશે.

મરણ છું ; મને સાતતાળી ન ગણ તું,
મને શોધતાંવેંત તું ખુદ લપાશે.

- રવીન્દ્ર પારેખ

હૃદયથી આંખો સુધી આ ગઝલ ન સ્પર્શે તો જ આશ્ચર્ય !! ઉત્તમોત્તમ અશઆર આ ગઝલમાં મળ્યાં છે. નદી ખુદ મૃગજળનું સરનામું લાવે તેની વાત હોય કે દીવડા જેમ ખુદને પ્રગટાવવાની વાત…..આંખનું નહીં ટેરવા પરનું આંસુ વીંધાશે ?!! ગઝલોલ્લાસ છવાઈ જાય ને એક મહેફિલ તન-મનમાં ભરાઈ જાય તેવી ગઝલ ….. !!

 

 

.


5 Comments to “હૃદયથી તે આંખો સુધી : રવીન્દ્ર પારેખ”

  1. sunil shah says:

    રવીન્દ્રભાઈની સરસ ગઝલ..દરેક શેર મઝાના થયા છે.

  2. મનહર રચના…

    નદી એક મૃગજળનું સરનામું લાવી,
    અને હોડી કાગળની બોલી, ‘તરાશે’.

    મને દીવડા જેમ પ્રગટાવું તો શું ?
    તરત તું જ ઝડપી પવન જેમ વાશે.

    મને માંડ આજે સમેટીને બેઠો,
    ઘણે વર્ષે ખુદને હવે કૈં મળાશે.

    - આ ત્રણ શેર ખૂબ જ જંચી ગયા….

  3. રવીન્દ્રભાઈની સુંદર ગઝલ લઈ આવ્યા છો હો!

  4. પ્રતિક મોર says:

    ના કહો હસ્મુખ મને એ ચહેરો છે મારો ખોતો.
    જીવી રહ્યો છુ હું તો મોતની રાહ જોતો જોતો.

    પ્રતિક મોર
    pratiknp@live.com

  5. ખૂબ જ સુંદર ગઝલ…!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME