બતાવ્યાં છે : રમેશ પારેખ

 

મને તેં ઝાંઝવાં, તૃષા ને રણ બતાવ્યાં છે,
તને મેં છાંયો, નદી ને હરણ બતાવ્યાં છે.

ફૂલો દઈને મારા પ્રેમને તેં સત્કાર્યો,
તો કાંટા દઈને મારા વાંક પણ બતાવ્યાં છે.

બાગમાં મારા બુઢાપાથી થૈ જઉં હું ઉદાસ,
તો સામે તેં જ હસતાં બાળપણ બતાવ્યાં છે.

દર્દ, નિષ્ઠા, સમજ ને લાગણી-પરાયણતા,
ષંઢ શબ્દોને આ વાજિકરણ બતાવ્યાં છે.

કરું છું હે ખુદા ! ઇન્કાર તારી રહેમતનો,
મને તેં કેટલાં નિર્દય મરણ બતાવ્યાં છે !

પ્રેમ ઉપચાર કરશે, રાખ તું ભરોસો, રમેશ,
તેં એને ઝખ્મી થયેલાં ચરણ બતાવ્યાં છે.

- રમેશ પારેખ

 

 


3 Comments to “બતાવ્યાં છે : રમેશ પારેખ”

  1. અફલાતૂન ગઝલ… વેલેન્ટાઈન ડેની પૂર્વસંધ્યા પર સાંગોપાંગ ઉચિત!

  2. પ્રેમ ઉપચાર કરશે, રાખ તું ભરોસો, રમેશ,
    તેં એને ઝખ્મી થયેલાં ચરણ બતાવ્યાં છે.

    અદભૂત શેર…

    એક ઉર્દુ શેર યાદ આવ્યો જે આ શેર કે જે લાઝવાલ ઉમ્મીદની વાત કરે છે, તેના કરતાં થોડી અલગ, કંઇક અલગ જ મજબૂરીની વાત કરે છે…

    राहों की ज़हेमतों का तुम्हें क्या सबूत दें,
    मंज़िल मिली तो पाँओं के छाले नही रहे !!!

    આ જ રીતે પ્રેમ પર ભરોસો રાખી રાહ જોયા કરતી જિંદગી વિશે રિષભ મહેતાનો એક શેર યાદ આવ્યો…

    રાહ જોવામાં વીતી ગઈ જિંદગી,
    એક રીતે તો સીધી ગઈ જિંદગી.

    સુંદર ગઝલ…

  3. pragnaju says:

    દર્દ, નિષ્ઠા, સમજ ને લાગણી-પરાયણતા,
    ષંઢ શબ્દોને આ વાજિકરણ બતાવ્યાં છે
    વાહ્…
    દ્રુપદના ‘ષંઢ’ શબ્દે તો મહાભારત કરેલું!
    “ષંઢ કદી પણ શૂરવીરનો મિત્ર ના હોય. તમે જૂની મૈત્રીને શા માટે આગળ કરો છો ? ધનમાં સરખા અને વિદ્વત્તામાં સમાન હોય તેમની વચ્ચે જ વિવાહ તથા મૈત્રી થાય છે. જે શ્રોત્રીય નથી તે શ્રોત્રીય નો મિત્ર નહીં થાય. જે રથવાળો નથી તે રથવાળાનો મિત્ર નહીં થાય. જે રાજા નથી તે રાજાનો મિત્ર નહીં થાય. તો પછી તમે શા માટે અગાઉની મૈત્રીને આગળ લાવો છો ? મને તેની સ્મૃતિ સુખદ નથી લાગતી. એ મારા પર કોઇ પ્રકારનો સહેજ પણ પ્રભાવ નથી પાડતી.”દ્રુપદના શબ્દોને સાંભળીને દ્રોણાચાર્ય ક્રોધે ભરાયા.
    એ શબ્દો, એમની પાછળની વ્યંજના સાથે એમને માટે અતિશય અશાંતિદાયક બની ગયા.
    પાંચાલપતિ દ્રુપદ પ્રત્યેની કટુતા, દ્વેષ તથા પ્રતિશોધ ભાવનાને હૃદયમાં ધારણ કરીને તે હસ્તિનાપુર પહોંચ્યા.હસ્તિનાપુરમાં કૃપાચાર્યને ત્યાં ગુપ્તરૂપે રહીને એ પાંડવોને અસ્ત્રવિદ્યા શીખવવા લાગ્યા.દ્રુપદે કરેલી ઘોર અવહેલનાને એ કેમે કરીને ભૂલી શકતા ન હતા.એ અવહેલના આગળ જતાં દ્રુપદને માટે અમંગલ આપનારી અથવા અભિશાપરૂપ નીવડી. મહાભારતના મહાયુદ્ધમાં એનો ફાળો પણ નોંધપાત્ર હતો.કોઇએ કોઇ સામાન્ય માનવનું પણ અપમાન શા માટે કરવું જોઇએ ? કોઇએ કોઇની પણ અવજ્ઞા શાને માટે કરવી જોઇએ ? સૌએ પદ, પ્રતિષ્ઠા, ધન, યશ, યૌવન, સૌન્દર્યથી ઉદ્દંડ બનવાને નમ્ર અને સેવાભાવી બનવું જોઇએ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME