પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે ?
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
- રમેશ પારેખ
બે પ્રેમીઓનું મિલન એટલે કે જાણે આકાશ ને ધરતીનું મિલન ….. અને એમાં પણ જ્યારે લાં…બા વિરહ બાદ પ્રેમીજન મળતાં હોય ત્યારે ?રમેશ પારેખ જ આ ઘટનાને શબ્દોમાં આટલી અદ્…ભૂત રીતે રજૂ કરી શકે. પ્રિયજનને જોતાં જ વહેલી સવાર સમી તાજગી દિલમાં છવાઈ જાય પણ એનો કેફ એવો ચઢે કે વળી આંખોમાં તો રાત ઘેરાય જાય. જ્યારે પહેલો અંતરો તો અદ્……ભૂત !! બે પ્રેમીઓ એકમેકને જુએ છે અને આંખમાંથી આંસુનો ધોધમાર વરસાદ એટલો વરસે છે કે લોહી થીજી જાય…..આજ વાત કવિએ કેવી કાવ્યાત્મક રીતે રજૂ કરી છે !! ખરબચડું લોહી રુંવાટીદાર બની જાય ને ચોમાસું ચાર ચાર નેણનું …. તો આગળ કહે છે, ધોધમાર પીંછાનો પડતો વરસાદ ……. હવે આ પંક્તિ તો તેથી પણ વધુ અદ્….ભૂત !! ધોધમાર પીંછાનો વરસાદ એ વળી શું ? એકમેકના આલિંગનમાં એવાં ખોવાઈ જાય છે કે શબ્દોનું આખું…ય ગામ તેમાં તણાય જાય છે. પીંછું એ સ્પર્શનું પ્રતિક લઈ કવિએ કાવ્યત્વને ખૂબ નિખાર્યું છે.
તો બીજા અંતરામાં લોચનની ભાષામાં તો બસ એક ઘટના લાગે પણ ખરેખર તો જીવતરની ભાષામાં યાતના !! ખૂબ મજાનું પ્રણયોર્મિસભર આ ગીત ઊર્મિનાં બ્લૉગ પરની ઑડિયો પણ આ સાથે
.

સુંદર ગીત..અને એવો જ મઝાનો આસ્વાદ તમે કરાવ્યો.
વારંવાર માણેલી આ રચનાનું મધુરું રસ દર્શન
સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને
જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે,
દિવસોની વાત તને યાદ છે?
ચિ રા ગ યાદ આવ્યો
યાદ તમારી,દીમાગ તમારું,દીલ તમારું,
સર્વસ્વ તમારું. પણ મારું? તમે અમારા.
વીરહની વેદના, ‘ને પ્રેમની તડપ;
શમા જલે છે,પરવાનાની તડપ ઠારવા.
બહુ જ સરસ સંકલન. સાચે જ વાંચવાની બહુ મજા આવી.
આ સાથેઃ
રાધાને પૂછો
પ્રીત શું કહેવાય, રાધાને પૂછો.
દિલ કેમ દેવાય, રાધાને પૂછો.
ધીરા સમીરે યમુનાને તીરે
પ્રણય કેમ ઝીલાય, રાધાને પૂછો.
મહા રાસ-આનંદ અબ્ધિમાં ડૂબી.
જવું કેમ ખોવાઈ, રાધાને પૂછો.
કાલિંદી કાંઠે કદંબોની કુંજે,
હ્રદય કેમ ભૂલાય, રાધાને પૂછો.
પ્રભુ શ્યામ સુંદર તણા એ અધરનું,
મધુ કેમ પીવાય, રાધાને પૂછો.
ગોકુલ તજી જાય મથુરા મુરારિ,
કેવી એ વિદાય, રાધાને પૂછો.
ભમે બાવરી શ્યામની બંસરી લઇ.
વિરહ કેમ સહેવાય, રાધાને પૂછો.
હ્રદયેશ કેરું હ્રદય જીતનારી,
વ્રુષભાન દુલારી ! કલા તારી ન્યારી,
જીવન કેમ જીવાય, રાધાને પૂછો.
અસ્તિત્વનું અમ્રુત પૂર્ણ અર્પી
સર્વસ્વ તે સ્નેહ કાજે સમર્પી
જવુ્ કેમ લોપાઇ, રાધાને પૂછો.
સાભાર: નાથાલાલ દવે
ચાંદની તે રાધા રે, પ્રુ. ૨૭
અને
‘પુષ્કર ગોકાણી’ લિખિત ‘સૂફીવાદ શું છે?’, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૨૧
‘આકાશના વાદળામાંથી પડતાં એ જલબિંદુએ વિચાર કર્યો કે આ સમુદ્ર પાસે મારી હસ્તી શું? હું તેમાં ખોવાઈ જઈશ. પણ પછી અચાનક તે સમજ્યો કે હું તો આવડો વિશાળ સાગર બની જઈશ. ત્યાં એક છીપે તેને વહાલભર્યા આશ્લેષનમાં લીધું અને તે મોતી બની ગયું.’ (ગુલિસ્તાં)