પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ

શોધતો  હતો  ફૂલને  ફોરમ  શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
                   એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
           પોયણા જેવી રાત ;

શોધતો રહ્યો  ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ   મીંચું   ત્યાં
                       જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
               વ્યોમની   કિરણ-ઝૂલ.

શોધતો  જેની  પગલી  એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

- ચંદ્રકાંત શેઠ

 

પ્રેમીપંખીડા એકબીજાંને શોધતાં શોધતાં દૂર ચાલ્યાં જાય છે એટલે કે એકબીજાને પામવા જતાં દૂર થઈ જાય છે પણ જેવાં એકબીજાંથી દૂર થાય છે …..મનથી તો ખૂબ નિકટ આવી જાય છે. પ્રકૃતિનાં અલગ અલગ રૂપને પ્રેમનાં પ્રતિક રૂપે લઈ જાણે કે પ્રણયનાં રંગે પ્રકૃતિ રંગી દીધી છે.  આ ગીત પણ ઑડિયો સાથે …. ખાસ કરીને જ્યારે ક્ષેમુદાદાને મોરારિબાપુનાં હસ્તે ગઈ મધરાતે જ ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો.

 

.


2 Comments to “પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ”

  1. pragnaju says:

    શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
    એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
    આપણે જેને દૂર માનીએ છીએ એ આપણી કને જ હોય છે. ફૂલને ફોરમથી અને ફોરમને ફૂલથી વેગળી કલ્પી ન શકાય. જેમ જીવ અને શિવ એકમેક સાથે હોય છે એમ.
    ક્યાંક રે આંબો ટહુક્યો
    એની મનમાં મ્હેકી વાત,
    કમળ જેવો ખીલતો દિવસ,
    પોયણા જેવી રાત.
    શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
    એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
    આંખ મીંચું ત્યાં
    જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
    મનમાં હળુક લ્હેરવા લાગે
    વ્યોમની કિરણ-ઝૂલ.
    શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
    એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.આત્મા અને પરમાત્માને ગૂઢ અને ગાઢ, અખૂટ અને અતૂટ સંબંધ રહ્યો છે. આપણે જેને દૂર માનીએ છીએ એ આપણી કને જ હોય છે. ફૂલને ફોરમથી અને ફોરમને ફૂલથી વેગળી કલ્પી ન શકાય. જેમ જીવ અને શિવ એકમેક સાથે હોય છે એમ. ઈશ્વરને પામવા માટે સ્થિર ગતિમતિ જોઈએ.
    આખું ગીતનું ગુંજન થયા કર્યું
    સ્વરકાર પ્રણવ મહેતા અને સંગીતકાર ક્ષેમુ દિવેટીઆને ધન્યવાદ

  2. એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને

    - આ છે પ્રણયની ચરમસીમા…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME