કયો કાંટો છું ? : આકાશ ઠક્કર
આડું આવે છે
અડધુંપડધું એક પાંદડું
નહીં તો
વારંવાર મળું છું
હું મને સામો.
હું મને ઓળખીને
ભળી જાઉં મારામાં પાછો
પણ રોજરોજ મારા શ્વાસોને
ફૂટે છે નવી નવી ડાળો
ને ઈચ્છાઓની તૂટે છે પાળો.
પાંદડાની આરપાર કાંટો
કાંટાથી નીકળે કાંટો
કયો કાંટો છું
હું મારી ઘડિયાળમાંથી
છૂટો પડી ગયેલો ?
- આકાશ ઠક્કર
પુરુષાર્થની આડે પ્રારબ્ધનું બસ એક પાંદડું જ હોય છે, પણ તે પાંદડાની આરપાર રહેલ કેટકેટલાં કાંટાઓ જિંદગીભર ભોંકાતા રહે તે વેદના કવિએ સુપેરે વ્યકત કરી છે. વારંવાર હુ મને સામે મળું છું એટલે કે જાત સાથે સંવાદ સાધું છું ફરી આશાની એક કળી ઊગે છે પણ આ રોજરોજ ફૂટતી ડાળો ને તેની પર ફૂટતાં પાંદડાં ફરી પ્રુરુષાર્થની આડે આવે છે. તો ઘડિયાળ પણ પ્રારબ્ધનું જ પ્રતિક છે, ને કવિ વૃક્ષનાં કાંટાને આશ્ચર્યચકિત કરી મૂકે તેવી સહજતાપૂર્વક ઘડિયાળના કાંટામાં પરિવર્તિત કરે છે ને ફરી એ જ વણઉકલી સમસ્યામાં ઘેરાય જાય છે કે હું જ તો મારી ઘડિયાળમાંથી છૂટો નથી પડી ગયોને એટલે કે મારા પુરુષાર્થમાં જ તો કોઈ કચાશ નથી ને ?!!
.

પાંદડાની આરપાર કાંટો
કાંટાથી નીકળે કાંટો
કયો કાંટો છું
વાહ
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ