મોરપીંછ : અરવિંદ ભટ્ટ

 

ફૂલ રાખ્યું હથેળી મહીં ભૂલમાં,
આંગળીઓ બદલતી ગઇ શૂળમાં.
 
આ પવન ખેરવે છે પીળાં પાંદડાં ?
કે છૂપાયું છે કોઇ કપટ મૂળમાં ?
 
કોઇ માણસનું પગલું મળે ના કશે,
ને પગરખાં છપાતાં રહે ધૂળમાં.
 
એ જ રંગોથી સપનાંઓ રંગ્યા હતાં,
એ જ પાડી ગયાં દાગ પટકુળમાં.
 
એક પીંછું મોરનું શોધતાં શોધતાં,
છેક પહોચીં જવાયું છે ગોકુળમાં.

- અરવિંદ ભટ્ટ

 

મત્લાના શેરથી જ આખીયે ગઝલનો મિજાજ કંઈક અનેરો જ છે. સુકોમળ ફૂલ હાથમાં લેતાં જ આંગળીઓ શૂળમાં ફેરવાઈ કવિહૃદયને જ તે શૂળ ભોંકાયા હોય એમ – એક એક શેર તે વેદનાની કારમી ચીસો સમાન છે.   અને શું કવિનું મન ફૂલ જેટલું જ સુકોમળ નથી  કે જે જમાનાની દગાખોરીથી ત્રસ્ત બની તેના હૃદયમાં કાંટો બની ચૂભ્યા કરતું હોય છે. કવિ દુનિયા પરથી એટલી હદે વિશ્વાસ ગુમાવી ચૂકેલ છે કે તેમને પીળાં પાંદડાં પવનથી ખરી જાય તો પણ ‘મૂળ’માં કોઈ કપટ હોવાની સંભાવના લાગે છે.   કારણ માણસજાત તો એવી લંપટ છે કે તેનાં પગરખાંની છાપ હોવા છતાં તેનું પગલું મળવું મુશ્કેલ છે.  જે રંગોથી સપનાં રંગ્યાં તે જ રંગ પટકુળમાં ડાઘ પાડી દે છે… !! પણ અંતિમ શેરમાં માત્ર ઈશ્વર પ્રત્યે જ વિશ્વાસ, આસ્થા રાખવાનું કહે છે કારણ એનું એક પીંછું પણ શોધશો તો આખુંય ગોકુળ જડી જશે. 

 

 

.


7 Comments to “મોરપીંછ : અરવિંદ ભટ્ટ”

  1. તમારી વાત સાચી જ છે, શરૂથી લઈને આખર સુધી આખી ગઝલ અલગ મિજાજ લઈને આવી છે…….એમાંય અંતિમ શૅર તો આખી ગઝલનો ભાવ, સુંદર રીતે વ્યક્ત કરે છે.
    -અભિનંદન,
    કવિ અને કવન બન્નેને…

  2. neetakotecha says:

    એ જ રંગોથી સપનાંઓ રંગ્યા હતાં,
    એ જ પાડી ગયાં દાગ પટકુળમાં.

    khuub saras…undi vat hati aa…

  3. sunil shah says:

    પાંચેય શેરમાં અદભૂત રીતે વેદના ઉપસાવવામાં સફળ કવિ કર્મના દર્શન થાય છે. સરસ રચના.

  4. pragnaju says:

    એક પીંછું મોરનું શોધતાં શોધતાં,
    છેક પહોચીં જવાયું છે ગોકુળમાં.
    સુંદર
    રેશમી પીંછું દટાયું મોરનું -
    ધૂળમાં ટૌકાનું અંબર નીકળે.

  5. સુંદર રચના…..

  6. sudhir Patel says:

    કવિ-મિત્ર અરવિંદ ભટ્ટની આ બેનમૂન ગઝલ ફરી અહીં વાંચી અમરેલીનાં એ દિવસોની યાદ તાજી થઈ ગઈ!
    આભાર, પિન્કીબેનનો.
    સુધીર પટેલ.

  7. kishore Modi says:

    સરસ ગઝલ વાંચી આનંદ થયો અભિનંદન

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME