ખોટ વર્તાયા કરે : ‘ગની’ દહીંવાલા
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
- ‘ગની’ દહીંવાલા
મિત્રો, ‘ગની’ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ને ત્યારે આજે તેમની પુણ્યતિથિએ શબ્દાંજલિ અર્પણ કરવી જ રહી. મરણ પછી તો મનુષ્યની ખોટ વર્તાય પણ આપણી નિષ્ક્રિયતાને કારણે જીવતાં જ જગતને કામ ના આવીએ તો શું ? – તેવી સભાનતાપૂર્વક જિંદગી જીવનાર એક આમ આદમીની પણ જગતને ખોટ પડે જ. તો ગનીચાચાની ખોટ તો કેટલી ? જિંદગી એટલે કે – આપણે કરેલાં કર્મોનો સાચો પડઘો તો આપણાં મોત પછી પણ ત્યારે જ પડેને, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે…. !! આજે તેમની પુણ્યતિથિએ તેમનો ગુજરાતી માટેનો પ્રેમ દર્શાવતી એક અન્ય ગઝલ પણ માણીશું.
.

ગનીચાચાની પૂણ્યતિથીએ શ્રધ્ધાંજલી
આ પંક્તી વારંવાર ગુંજ્યા જ કરે!
હોયના વ્યક્તિ,ને નામ બોલાયા કરે
જે ના હોય અને તેનું નામ બોલાયા કરે તેજ સાચો માણસ