લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા

 

હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

‘ગની’ ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

- ‘ગની’ દહીંવાલા

ગુજરાતી સાહિત્યનાં વટવૃક્ષ પર કલરવતી આ ‘ગઝલ-બુલબુલ’ ગનીચાચાને તેમની પુણ્યતિથિએ શતશત વંદન સહ…… !!

 

 .


2 Comments to “લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા”

  1. pragnaju says:

    ખૂબ જ સુંદર્

  2. kishore modi says:

    ગનીચાચા ગુજરાતી ગઝલનું બુલબુલ છે

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME