વચ્ચે હું ઊભો : કિશોર મોદી
રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો,
દ્દશ્ય, ઇચ્છા, કોલ વચ્ચે હું ઊભો.
રોજ ઊઠીને પીછો મારો કર્યો,
તૂર, ત્રાંસાં, ઢોલ, વચ્ચે હું ઊભો.
મૌનથી દીવાલ ચીતરવી પડી,
હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો.
ખાલીપો માણસ સમો કોઇ નથી,
સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો.
સાંજની લીલપમાં ટહુકી જાવું છે,
વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો.
લયવિલયની લ્યો કવિતા ગાવી છે,
સ્વર, હલક ને લોલ વચ્ચે હું ઊભો.
- કિશોર મોદી
રોજબરોજની જિંદગીમાં ત્રિભેટે આવીને – ક્યાં જવું ? ની મથામણમાં જિંદગી વીતાવી દેતાં હોઈએ છે . કિશોરભાઈ ત્રિશબ્દે આપણને એક મુકામે એકઠાં કરે છે અને મીઠી મૂંઝવણમાં મૂકી સ્વર, હલક ને લોલ ની વચ્ચે મૂકી આ ગીત ગાવા મજબૂર કરી દે છે. ‘આનંદ’ પિક્ચરનો ડાયલૉગ યાદ અવી જાય, ને સ્ટેજ અને રોલ વચ્ચે માણસનો ખાલીપો સ્ટેજ પર આવી ઑડિયન્સની દાદ મેળવી જાય તેવી જ દાદ આ ગઝલ પણ મેળવી જાય. વાડ,ખેતર અને મોલ વચ્ચે ઊભા રહી કોણ સાંજની લીલપમાં ટહુક્યા વિના રહી શકે ? તો ગઝલમાં પણ ‘લોલ’ શબ્દની ગેયતા ગીત જેટલી જ સુમધુર બની રહી છે.
શબ્દાર્થ : તૂર - તૂર્ય એક વાજિંત્ર (રણશિંગુ, શરણાઈ)
.

સુંદર ગઝલ…
ভালো ভালো
રદીફ અને કાફિયાને સરસ રીતે નિભાવતી સુંદર ગઝલ!
સુધીર પટેલ.
મારી ગઝલ રજુ કરવા બદલ આભાર. “નૂર” બદલે “તૂર” જોઇએ.
Thanks Kishorbhai, I correct it.
Pinki.
નવા કાફિયાઓ સાથે બહુ સાહજિક રીતે કામ પાર પાડયું. અભિનંદન કિશોરભાઇ.
કિશોરભાઈ અને કિરણકુમાર ,
વૅબમહેફિલમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપનાં અમૂલ્ય પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર …