હું તો કોરીકટાક રહી ગઈ : ક્રિશ્ના પંડ્યા
એ સઈ, હું તો કોરીકટાક રહી ગઈ, રંગોની મહેફિલમાં પહોંચું ન પહોંચું
ત્યાં આખી મહેફિલ ઊઠી ગઈ, હું તો કોરીકટાક રહી ગઈ.
મનમાં તો થાતું’તું ફાગણિયો આવશે ને, છંટાશે આયખાના આભમાં ગુલાલ,
રૂંવેરૂંવામાં પછી કેસૂડો મોરશે ને,સપનાને ફળશે કાંઇ પીળચટ્ટું વ્હાલ.
કોકે બતાવ્યું તો પૂજીને આવી હું, આખું પલાશવન જઈ.
– તોય કોરીકટાક રહી ગઈ.
શેરી ને ફળિયું ને ગામના સીમાડા એ રંગોમાં કેવાં થયાં છે ચકચૂર,
દોડીદોડીને હું તો રંગાવા જાઉં ત્યાં રંગો પણ ભાગે છે મારાથી દૂર.
ફાગણમાં જન્મી ને તોય મારી કુંડળી રંગવિહોણી રહી ગઈ.
– સાવ કોરીકટાક રહી ગઈ.
- ક્રિશ્ના પંડ્યા
આંબાનો મ્હોર, કોયલના ટહુકાઓ અને કેસૂડાના રંગમાં આખુંય ગામ, શેરી ને ફળિયું ફાગણમાં રંગાઈ ગયું ને તમે – કોરાકટાક નથી રહી ગયાંને ?!! જોજો તમારી જન્મકુંડળી રંગવિહોણી ના રહી જાય આપણે વળી પલાશવન પૂજવા ક્યાં જશું ?!! નિરાશાનો એક ઘેરો રંગ જિંદગીને રંગવિહોણી કરી દેતો હોય છે. શેના માટે આ રંગોની મોસમમાં કોરાકટાક રહી જઈએ, બસ ફાગણ ચાલ્યો જાય એ પહેલાં – રંગોની મહેફિલ ઊઠી જાય એ પહેલાં – પીળચટ્ટાં વ્હાલમાં થઈ જઈએ ચકચૂર ………..!!
.

સુંદર મજાનું ગીત… લય અને ભાવ બંને સરસ જળવાયા છે…
ખૂબ મીઠ્ઠું મજાનું ગીત.
કોરાકટ્ટાક રહી જઈને પણ ભિઁજાવાની મજા કંઇક ઓર જ હોય છે હોં…
ખૂબ જ મજાનું ગીત !